Skip to content
BibleKenya

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

ગીત. 7

હે શાહજાદી, ચંપલોમાં તારા પગ કેવા સુંદર દેખાય છે!

તારી જાંઘોના સાંધા,

કુશળ કારીગરે હાથે જડેલા ઝવેરાત જેવા છે.

તારી નાભિ સુંદર ગોળાકાર પ્યાલા જેવી છે;

કે જેમાં મિશ્રિત દ્રાક્ષારસ કદી ખૂટતો નથી.

તારું પેટ ગુલછડીથી શણગારેલી,

ઘઉંની ઢગલીના જેવું છે.

તારાં બે સ્તન જાણે હરણીના,

મનોહર જોડકાં બચ્ચાં જેવા છે.

તારી ગરદન હાથીદાંતના બુરજ જેવી છે;

તારી આંખો હેશ્બોનમાં બાથ-રાબ્બીમના

દરવાજા પાસે આવેલા કુંડ જેવી છે.

તારું નાક જાણે દમસ્કસ તરફના

લબાનોનના બુરજ જેવું છે.

તારું શિર કાર્મેલ પર્વત જેવું છે;

તારા શિરના કેશ જાંબુડા રંગના છે.

રાજા તારી લટોમાં પોતે બંદીવાન બની ગયો છે.

મારી પ્રિયતમા તું કેવી પ્રેમાળ અને અતિ સુંદર છે,

તથા વિનોદ કરવા લાયક અને આનંદદાયક છે!

તારું કદ ખજૂરીના વૃક્ષ જેવું છે,

અને તારાં સ્તનો દ્રાક્ષાની લૂમો જેવા છે.

મેં વિચાર્યું કે, “હું ખજૂરીના વૃક્ષ પર ચઢીશ;

હું તેની ડાળીઓ પકડીશ.”

તારાં સ્તન દ્રાક્ષની લૂમો જેવાં થાય,

તારા શ્વાસની સુગંધ સફરજન જેવી થાય.

તારું મુખ ઉત્તમ દ્રાક્ષારસ જેવું થાય,

જે દ્રાક્ષારસ મારા પ્રીતમ માટે છે,

અને તેના હોઠો તથા દાંત ઉપર થઈને સરળતાથી પેટમાં ઊતરી જાય છે.

હું મારા પ્રીતમની છું

અને તે મારા માટે ઇચ્છા રાખે છે.

હે મારા પ્રીતમ, ચાલ, આપણે નગરમાં જઈએ;

અને આપણે ગામોમાં ઉતારો કરીએ.

આપણે વહેલા ઊઠીને દ્રાક્ષવાડીઓમાં જઈએ;

દ્રાક્ષવેલાને મોર આવ્યો છે કે નહિ તે જોઈએ,

તેનાં ફૂલ ખીલ્યાં છે કે નહિ,

અને દાડમડીઓને ફૂલ બેઠાં છે કે નહિ, તે આપણે જોઈએ.

ત્યાં હું તને મારી પ્રીતિનો અનુભવ કરાવીશ.

ત્યાં રીંગણાંઓ તેની સુગંધ પ્રસરાવે છે;

વળી આપણા આંગણામાં સર્વ પ્રકારનાં જૂનાં અને નવાં ફળો છે,

તે હે મારા પ્રીતમ, મેં તારા માટે સાચવી રાખ્યાં છે.

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.