ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
ગી.શા. 4
સહાયને માટે સાંજની પ્રાર્થના
મુખ્ય ગવૈયાને માટે; તારવાળાં વાજાં સાથે ગાવાને. દાઉદનું ગીત.
હે મને ન્યાયી ઠરાવનાર મારા ઈશ્વર, જ્યારે હું તમને વિનંતિ કરું, ત્યારે તમે મને ઉત્તર આપજો;
મારી પ્રાર્થના સાંભળીને તમારી કૃપા વરસાવજો.
હે મનુષ્યો, તમે ક્યાં સુધી મારા ગૌરવનું અપમાન કરશો?
તમે ક્યાં સુધી વ્યર્થતા ઇચ્છશો અને જૂઠાણું ચલાવશો? સેલાહ
પણ જાણો કે જે પવિત્ર છે તેને યહોવાહે પોતાને માટે પસંદ કર્યો છે.
હું જ્યારે યહોવાહને વિનંતિ કરું, ત્યારે તે મારું સાંભળશે.
તેમનાથી ભયભીત થાઓ, પણ પાપ ન કરો!
તમારા બિછાના પર પોતાના હૃદયમાં મનન કરો અને શાંત રહો. સેલાહ
ન્યાયીપણાના અર્પણોને અર્પિત કરો
અને તમારો ભરોસો યહોવાહ પર રાખો.
ઘણા કહે છે, “કોણ અમને કંઈક સારું બતાવશે?”
યહોવાહ, તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો.
લોકોનું અનાજ તથા નવો દ્રાક્ષારસ વધવાથી તેઓને આનંદ થાય છે,
તે કરતાં વધારે આનંદ તમે મારા હૃદયમાં મૂક્યો છે.
હું શાંતિથી સૂઈ જઈશ, તેમ જ ઊંઘી પણ જઈશ,
કેમ કે, હે યહોવાહ, હું એકલો હોઉં તોપણ તમે મને સલામત અને સુરક્ષિત રાખો છો.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.