Skip to content
BibleKenya

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

ઉત્પ 16

હાગાર અને ઇશ્માએલ

હવે ઇબ્રામની પત્ની સારાયને બાળકો થતાં ન હતાં. તેની એક મિસરી દાસી હતી. તેનું નામ હાગાર હતું. તેથી સારાયે ઇબ્રામને કહ્યું, “જો, ઈશ્વરે મને બાળકો થવા દીધાં નથી. માટે તું મારી દાસી સાથે સૂઈ જા, કદાપિ તેનાથી હું બાળક પ્રાપ્ત કરું.” ઇબ્રામે સારાયનું કહ્યું માન્યું. ઇબ્રામ કનાન દેશમાં દસ વર્ષ રહ્યો પછી તેની પત્ની સારાયે તેની મિસરી દાસી હાગારને તેના પતિ ઇબ્રામને પત્ની તરીકે આપી. ઇબ્રામના હાગાર સાથેના સંબંધથી તે ગર્ભવતી થઈ. જયારે તેણે જાણ્યું કે હું ગર્ભવતી થઈ છું ત્યારે તેણે તેની શેઠાણીનો તિરસ્કાર કર્યો.

પછી સારાયે ઇબ્રામને કહ્યું, “મારી સાથે આ ખોટું થયું છે. મેં મારી દાસી તને આપી અને જયારે ખાતરી થઈ કે તે ગર્ભવતી થઈ છે ત્યારે તેની દ્રષ્ટિમાં હું તુચ્છ થઈ છું. મારી અને તારી વચ્ચે ઈશ્વર ન્યાય કરો.” “પણ ઇબ્રામે સારાયને કહ્યું, “તારી દાસી તારા અધિકારમાં છે, જે તને સારું લાગે તે તેને કર.” તેથી સારાયે તેની સાથે કઠોર વર્તાવ કર્યો. એટલે તેની પાસેથી હાગાર ભાગી ગઈ.

અરણ્યમાં શૂરના માર્ગે પાણીનો જે ઝરો હતો તેની પાસે ઈશ્વરના દૂતે તેને જોઈ. દૂતે તેને કહ્યું, “સારાયની દાસી હાગાર, તું ક્યાંથી આવી અને ક્યાં જઈ રહી છે?” અને તેણે કહ્યું, “મારી શેઠાણી સારાયની પાસેથી હું નાસી જઈ રહી છું.”

ઈશ્વરના દૂતે તેને કહ્યું, “તું તારી શેઠાણી પાસે પાછી જા. અને તેની આધીનતામાં રહે.” વળી ઈશ્વરના દૂતે તેને કહ્યું, “હું તારો વંશ ઘણો વધારીશ. તારા વંશમાં અસંખ્ય સંતાનો થશે.”

દૂતે તેને એ પણ કહ્યું, “તું ગર્ભવતી છે. તું દીકરાને જન્મ આપશે. તેને તું ઇશ્માએલ1 નામ આપજે. કેમ કે ઈશ્વરે તારું દુઃખ સાંભળ્યું છે. તે માણસો મધ્યે જંગલના ગર્દભ જેવો થશે. તેનો હાથ દરેકની વિરુદ્ધ તથા દરેકનો હાથ તેની વિરુદ્ધ થશે અને તે પોતાના સર્વ ભાઈઓની વચ્ચે2 દુશ્મનાવટથી રહેશે.”

“પછી તેણે ઈશ્વર; જેઓ તેની સાથે વાત કરતા હતા તેમનું નામ “એલ-રોઈ3” પાડ્યું, કેમ કે તેણે કહ્યું, “ઈશ્વરે મારા પર દ્રષ્ટિ કરી છે શું?” તે માટે તે ઝરાનું નામ બેર-લાહાય-રોઈ4 રાખવામાં આવ્યું; તે કાદેશ તથા બેરેદની વચ્ચે આવેલો છે.

હાગારે ઇબ્રામના દીકરાને જન્મ આપ્યો અને ઇબ્રામે હાગારથી જન્મેલા તેના દીકરાનું નામ ઇશ્માએલ પાડ્યું. જયારે હાગારે ઇશ્માએલને જન્મ આપ્યો ત્યારે ઇબ્રામ છ્યાસી વર્ષનો હતો.

Source notes (4)
  1. Footnote ઇશ્માએલ ઈશ્વર સંભાળે છે
  2. Footnote વચ્ચે પૂર્વ પ્રદેશ
  3. Footnote એલ-રોઈ ઈશ્વર જે મને જુએ છે
  4. Footnote બેર-લાહાય-રોઈ જીવતો ઈશ્વરનો કૂવો

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.