ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
પુન. 22
તમારા ભાઈના ભૂલા પડી ગયેલા બળદ કે ઘેટાંને જોઈને તારે સંતાવું નહિ, તમારે તેને તેના માલિકની પાસે પાછું લાવવું. જો તમારો ઇઝરાયલી સાથી નજીકમાં રહેતો ન હોય, કે તમે તેને ઓળખતા ન હોય, તો તે પશુને તમારે પોતાને ઘરે લઈ જવું અને તે શોધતો આવે ત્યાં સુધી તમારી પાસે રાખવું. જ્યારે તે આવે ત્યારે તમારે તેને તે પાછું સોંપવું.
તેનાં ગધેડાં, વસ્ત્રો તથા તમારા સાથી ઇઝરાયલીની ખોવાયેલી કોઈ વસ્તુ તમને મળી આવે તો તેના માટે પણ તમારે આમ જ કરવું, તમારે તેનાથી સંતાવું નહિ. તમારા ઇઝરાયલી સાથીના ગધેડાને કે બળદને રસ્તામાં પડી ગયેલું જોઈને તમે તેઓથી પોતાને અળગા રાખશો નહિ; તમારે તેને ફરીથી ઊભું કરવામાં સહાય કરવી.
સ્ત્રીએ પુરુષનાં વસ્ત્રો પહેરવાં નહિ, તેમ જ પુરુષે સ્ત્રીનાં વસ્ત્રો પહેરવાં નહિ; કેમ કે, જે કોઈ એવું કામ કરે છે તે યહોવાહ તમારા ઈશ્વરને ઘૃણાસ્પદ લાગે છે.
જો માર્ગે જતાં કોઈ પક્ષીનો માળો જમીન પર કે વૃક્ષ પર તમારા જોવામાં આવે, તેની અંદર બચ્ચાં કે ઈંડાં હોય, માતા બચ્ચાં પર બેઠેલી હોય તો તમારે માતાને બચ્ચાં સાથે લેવી નહિ. તમે બચ્ચાં લો, પણ માતાને રહેવા દો. જો તમે આમ કરશે તો તમારું ભલું થશે અને તમારા આયુષ્યનાં દિવસો લાંબા થશે.
જયારે તમે નવું ઘર બાંધે ત્યારે તમારે અગાશીની ચારે ફરતે પાળ બાંધવી, કે જેથી ત્યાંથી કોઈ પડી ન જાય અને તમારા ઘર પર લોહીનો દોષ ન આવે.
તમારી દ્રાક્ષની વાડીઓમાં બે જુદી જાતનું બીજ વાવવું નહિ; નહિ તો બધી જ દ્રાક્ષવાડીની ઉપજ તેમ જ જે કંઈ વાવ્યું હશે તે ડૂલ1 થાય. બળદ તથા ગધેડા બન્નેને એક સાથે જોડીને તું હળ વડે ખેતી ન કર. ઊન તથા શણનું મિશ્રણ હોય તેવાં વસ્ત્ર પહેરવાં નહિ.
જે ઝભ્ભો તું પહેરે છે તેની ચારે બાજુની કિનારે સુશોભિત ઝાલર મૂકવી.
જાતીય શુદ્ધતા સંબંધી નિયમો
જો કોઈ પુરુષ સ્ત્રી સાથે લગ્ન કરે, તેની પાસે જાય, પછી તેને ધિક્કારે, તેને બદનામ કરીને તેના પર ખોટા આરોપ મૂકીને કહે કે, “મેં આ સ્ત્રી સાથે લગ્ન કર્યા અને તેની પાસે ગયો, ત્યારે મેં જોયું તો તેનામાં કૌમાર્યનાં કોઈ ચિહ્ન મને મળ્યાં નહિ.”
તો તે કન્યાના માતાપિતા તેના કૌમાર્યનાં પુરાવા ગામના વડીલો પાસે લાવે.
અને કન્યાના પિતા ગામના વડીલોને કહે કે, “મેં મારી દીકરીને આ પુરુષને પરણાવી, હવે તે તેને ધિક્કારે છે.” જો તે તેના પર ખોટા આરોપ મૂકીને કહે છે કે, “મને તમારી દીકરીમાં કૌમાર્યનાં પુરાવા મળ્યા નથી પણ મારી દીકરીના કૌમાર્યના પુરાવા આ રહ્યા.” પછી તેઓ ગામના વડીલો આગળ ચાદર પાથરે.
ત્યારે તે નગરના વડીલો તે પુરુષને પકડીને સજા કરે; તેઓ તેને સો શેકેલ ચાંદીનો દંડ કરે, તે કન્યાના પિતાને આપે, કેમ કે તે પુરુષે ઇઝરાયલની કન્યા પર ખોટા આરોપ મૂક્યો છે. તે હંમેશા તેની પત્ની તરીકે રહે; તેના બધા દિવસો દરમિયાન તે તેને દૂર કરી શકે નહિ.
પણ જો આ વાત સાચી હોય અને તે કન્યામાં કૌમાર્યના પુરાવા મળ્યા ન હોય, તો તેઓ તે કન્યાને તેના પિતાના ઘરના બારણા આગળ લાવે અને તે ગામના લોકો તે સ્ત્રીને પથ્થરે મારીને મારી નાખે, કેમ કે, તેણે તેના પિતાના ઘરમાં2 વ્યભિચાર કરીને ઇઝરાયલમાં શરમજનક કૃત્ય કર્યું છે.આ રીતે તારે તારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી.
જો કોઈ પુરુષ પરિણીત સ્ત્રી સાથે વ્યભિચાર કરતાં જોવા મળે, તો તેઓ એટલે કે તે સ્ત્રી તથા વ્યભિચાર કરનાર પુરુષ બન્ને માર્યા જાય. આ રીતે તારે ઇઝરાયલમાંથી દુષ્ટતા દૂર કરવી.
જો કોઈ કન્યાની સગાઈ કોઈ પુરુષ સાથે થઈ હોય અને જો અન્ય પુરુષ તેને નગરમાં મળીને તેની સાથે વ્યભિચાર કરે, તો તમારે તે બન્નેને ગામના દરવાજા આગળ લાવીને પથ્થર મારીને મારી નાખવાં. કન્યાને પથ્થરે મારવી, કેમ કે તે નગરમાં હતી છતાં પણ તેણે બૂમ પાડી નહિ. અને પુરુષને પથ્થરે મારવો, કેમ કે તેણે ઇઝરાયલી પડોશીની પત્નીનું અપમાન કર્યું છે. આ રીતે તારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી.
પણ જો કોઈ પુરુષ સગાઈ કરેલી કન્યાને ખેતરમાં મળે, જો તે તેની સાથે બળજબરી કરીને વ્યભિચાર કરે, તો ફક્ત તેની સાથે વ્યભિચાર કરનાર પુરુષ જ માર્યો જાય. પણ તે કન્યાને તમારે કંઈ કરવું નહિ; મરણયોગ્ય કોઈ પાપ કન્યાએ કર્યું નથી. આ તો કોઈ માણસ તેના પડોશી વિરુદ્ધ ઊઠીને તેને મારી નાખે તેના જેવી તે વાત છે. કેમ કે તે તેને ખેતરમાં મળી; સગાઈ કરેલી કન્યાએ બૂમ પાડી, પણ ત્યાં તેને બચાવનાર કોઈ ન હતું. વળી જો કોઈ પુરુષ કુંવારી કન્યા કે જેની સગાઈ કરેલી નથી, તેને પકડીને તેની સાથે વ્યભિચાર કરતાં તેઓ પકડાય; તો તે કન્યા સાથે વ્યભિચાર કરનાર તે પુરુષ તે કન્યાના પિતાને પચાસ શેકેલ ચાંદી આપે. તે તેની પત્ની થાય, વળી તેણે આબરુ લીધી છે. તેના આખા આયુષ્યભર માટે તે કદી તેને છૂટાછેડા આપે નહિ.
કોઈ પણ પુરુષે પોતાના પિતાની પત્ની3 સાથે વ્યભિચાર કરવો નહિ, તેમ પોતાના પિતાની નિવસ્ત્રતા જોવી નહિ.
Source notes (3)
- Footnote જે પણ વાવ્યું હોય તે પવિત્ર સ્થાનમાં લઈ જવામાં આવશે
- Footnote પિતાના નિયંત્રણમાં
- Footnote કોઈ પણ પત્નીઓ સાથે
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.