ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
2 કાળ. 5
આમ ઈશ્વરના સભાસ્થાનનું સર્વ કામ સમાપ્ત થયું. સુલેમાન તેના પિતા દાઉદની અર્પિત કરેલી વસ્તુઓ સહિત ચાંદી, સોનું તથા સર્વ પાત્રો અંદર લાવીને ઈશ્વરના સભાસ્થાનના ભંડારમાં મૂક્યાં.
કરારકોશ મંદિરમાં લાવવામાં આવ્યો
1 રાજા. 8:1-9
પછી દાઉદ નગરમાંથી એટલે સિયોનમાંથી ઈશ્વરનો કરારકોશ લઈ આવવા માટે સુલેમાને ઇઝરાયલના વડીલોને, દરેક કુળના આગેવાનોને, એટલે ઇઝરાયલી લોકોના કુટુંબોના આગેવાનોને યરુશાલેમમાં એકત્ર કર્યા. ઇઝરાયલના સર્વ પુરુષો સાતમા મહિનાના પર્વમાં રાજાની આગળ ભેગા થયા.
ઇઝરાયલના સર્વ વડીલો આવ્યા એટલે લેવીઓએ કરારકોશ ઉપાડ્યો. તેઓ કરારકોશને, મુલાકાતમંડપને તથા તંબુની અંદરનાં સર્વ પવિત્ર પાત્રોને લઈ આવ્યા. જે યાજકો લેવીઓનાં કુળના હતા તેઓ આ વસ્તુઓ લઈ આવ્યા. સુલેમાન રાજાએ તથા તેની આગળ એકત્ર મળેલી ઇઝરાયલની સમગ્ર પ્રજાએ કરારકોશની આગળ, અસંખ્ય ઘેટાં તથા બળદોનું અર્પણ કર્યું.
યાજકોએ ઈશ્વરના કરારકોશને ઈશ્વરવાણીસ્થાનમાં, એટલે પરમપવિત્ર સ્થાનમાં, કરુબોની પાંખો નીચે લાવીને મૂક્યો. કરુબોની પાંખો કરારકોશ પર પસારેલી હતી, તેથી કરુબોની પાંખો દ્વારા કોશ તથા તેના દાંડાઓ પર આચ્છાદન કરાયું.
કરારકોશના દાંડા એટલા લાંબા હતા કે તેના છેડા પરમપવિત્ર સ્થાન આગળ કોશ પાસેથી દેખાતા હતા પણ તે બહારથી દેખાતા ન હતા. ત્યાં તે આજ દિવસ સુધી છે. જયારે ઇઝરાયલી લોકો મિસરમાંથી બહાર આવ્યા ત્યારે હોરેબ કે જ્યાં ઈશ્વરે તેઓની સાથે કરાર કર્યો, ત્યાં મૂસાએ જે બે શિલાપાટીઓ કોશમાં મૂક્યા હતાં તે સિવાય બીજું કશું એમાં ન હતું.
પ્રભુનો મહિમા
અને એમ થયું કે યાજકો સભાસ્થાનમાંથી બહાર આવ્યા. જે સર્વ યાજકો હાજર હતા તેઓએ પોતાને પવિત્ર કર્યા હતા; તેઓએ તેમના વિભાગોમાં જુદા પાડ્યાં. આ ઉપરાંત સર્વ ગાનારા લેવીઓ, એટલે આસાફ, હેમાન, યદૂથૂન તથા તેઓના સર્વ દીકરાઓ તથા ભાઈઓ બારીક શણનાં વસ્ત્ર પહેરીને ઝાંઝો, સિતાર તથા વીણા લઈને વેદીની પૂર્વ બાજુએ ઊભા હતા. તેઓની સાથે એકસો વીસ યાજકો રણશિંગડાં વગાડતા હતા.
અને એમ થયું કે રણશિંગડાં વગાડનારા તથા ગાનારાઓએ ઈશ્વરની સ્તુતિ કરવા તથા આભાર માનવા ઊંચે સ્વરે એક સરખો અવાજ કર્યો. તેઓએ ઈશ્વરની સ્તુતિ કરવા રણશિંગડાં, ઝાંઝ અને બીજા વાજિંત્રો સહિત ઊંચા સ્વરે સ્તુતિ કરી. તેઓએ ગાયું, “તે ઉત્તમ છે, કેમ કે તેમની કૃપા સર્વકાળ ટકે છે.” પછી ઈશ્વરનું સભાસ્થાન વાદળ સ્વરૂપે ઈશ્વરના ગૌરવથી ભરાઈ ગયું. યાજકો ઘરમાં સેવા કરવા ઊભા રહી શક્યા નહિ. કેમ કે ઈશ્વરના મહિમાથી સભાસ્થાન ભરાઈ ગયું હતું.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.