Skip to content
BibleKenya

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

ગી.શા. 68

રાષ્ટ્રનું વિજયગાન

મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત; ગાયન.

ઈશ્વર ઊઠો; તેમના શત્રુઓ વિખેરાઈ જાઓ;

તેમને ધિક્કારનારા સર્વ લોકો પણ તેમની આગળથી નાસી જાઓ.

તેઓને ધુમાડાની જેમ ઉડાવી નાખો,

જેમ મીણ અગ્નિથી ઓગળી જાય છે,

તેમ દુષ્ટો ઈશ્વરની આગળ નાશ પામો.

પણ ન્યાયીઓ આનંદ કરો; તેઓ ઈશ્વરની આગળ હર્ષ પામો;

તેઓ આનંદ કરો અને હર્ષ પામો.

ઈશ્વરની સમક્ષ ગાઓ, તેમના નામનાં સ્તુતિગાન કરો;

એમના માટે રાજમાર્ગ બનાવો જે યર્દન નદીની ખીણના મેદાનોમાં થઈને સવારી કરે છે1;

તેમનું નામ યહોવાહ છે; તેમની સમક્ષ આનંદ કરો.

અનાથોના પિતા અને વિધવાઓના રક્ષણહાર2,

એવા ઈશ્વર પોતાના પવિત્રસ્થાનમાં છે.

ઈશ્વર એકલા માણસોને કુટુંબવાળા બનાવે છે;

તે કેદીઓને બંધનમાંથી છોડાવીને સમૃદ્ધિવાન કરે છે;

પણ બંડખોરો સૂકા અને વેરાન પ્રદેશમાં રહે છે.

હે ઈશ્વર, જ્યારે તમે લોકોની આગળ આગળ ચાલ્યા,

જ્યારે અરણ્યમાં થઈને તમે કૂચ કરી, સેલાહ

ત્યારે પૃથ્વી કાંપી;

વળી ઈશ્વરની આગળ આકાશમાંથી વરસાદ વરસ્યો,

ઈશ્વર, ઇઝરાયલના ઈશ્વરની આગળ સિનાઈ પર્વત કાંપ્યો.

હે ઈશ્વર, તમે પુષ્કળ વરસાદ વરસાવ્યો;

જ્યારે તમારું વતન નિર્બળ થયું હતું, ત્યારે તમે તેને બળવાન કર્યું.

તમારા લોકો તેમાં રહે છે;

હે ઈશ્વર, તમે ગરીબો ઉપર ઉપકાર કરીને તેમની ભૂખ ભાંગી.

પ્રભુ હુકમ આપે છે

અને તેઓને ખબર આપનાર એક મહાન સૈન્ય હતું.

રાજાઓનું સૈન્ય નાસે છે, તેઓ દોડી જાય છે

અને સ્ત્રીઓ ઘરમાં બેસીને લૂંટ વહેંચવાની રાહ જુએ છે:

જ્યારે તમે ઘેટાંના વાડામાં સૂઈ રહેશો,

ત્યારે જેની પાંખે ચાંદીનો3 ઢોળ અને પીંછાએ કેસરી સોનાનો ઢોળ ચઢાવેલો હોય,

એવા સૂતેલા કબૂતરનાં જેવા લાગશો.

જ્યારે સર્વસમર્થે ત્યાં રાજાઓને વિખેરી નાખ્યા,

ત્યારે સાલ્મોનના પર્વત પર હિમ પડ્યા જેવું થયું.

એક શક્તિશાળી પર્વત બાશાનનો પહાડી દેશ છે;

બાશાનનો પર્વત ઘણા શિખરોવાળો છે.

અરે શિખરવાળા પર્વતો, ઈશ્વરે રહેવાને માટે જે પર્વત પસંદ કર્યો છે,

તેને તમે વક્ર દ્રષ્ટિએ કેમ જુઓ છો?

નિશ્ચે યહોવાહ ત્યાં સદાકાળ રહેશે.

ઈશ્વરના રથો વીસ હજાર છે, લાખોલાખ છે;

જેમ તે સિનાઈના પવિત્રસ્થાનમાં4 છે, તેમ પ્રભુ તેઓમાં છે.

તમે ઉચ્ચસ્થાનમાં ગયા છો; તમે બંદીવાનોને લઈને આવ્યા;

તમે માણસો પાસેથી ભેટો લીધી,

એ લોકો પાસેથી પણ જેઓ તમારી વિરુદ્ધ હતા,

કે જેથી યહોવાહ ઈશ્વર ત્યાં રહે.

પ્રભુની સ્તુતિ થાઓ, કે જે રોજ આપણો બોજો ઊંચકી લે છે,

તે આપણા ઉદ્ધારના ઈશ્વર છે. સેલાહ

ઈશ્વર એ આપણા ઈશ્વર છે જેમણે આપણને બચાવ્યા;

મરણથી છૂટવાના માર્ગો પ્રભુ યહોવાહ પાસે છે.

પણ ઈશ્વર પોતાના શત્રુઓનાં માથાં ફોડી નાખશે,

પાપમાં રચ્યાપચ્યા રહેનારની કેશવાળી ખોપરી તે ફોડી નાખશે.

પ્રભુએ કહ્યું, “હે મારા લોકો, હું તમને બાશાનથી પાછા લાવીશ,

હું સમુદ્રના ઊંડાણોમાંથી તમને પાછા લાવીશ.

કે જેથી તું તારા શત્રુઓને શાપ આપે અને તેમના લોહીમાં તારો પગ બોળે

અને જેથી તારા કૂતરાઓની જીભને તારા શત્રુઓનો ભાગ મળે.”

હે ઈશ્વર, તેઓએ તમારી સવારી જોઈ છે,

મારા ઈશ્વર, મારા રાજાના પવિત્રસ્થાનની સવારી તેઓએ જોઈ છે.

આગળ ગાયકો ચાલતા હતા, પાછળ વાજાં વગાડનારા ચાલતા હતા

અને તેઓની વચમાં ખંજરી વગાડનારી કન્યાઓ ચાલતી હતી.

હે ભક્તમંડળ, તમે ઈશ્વરની સ્તુતિ કરો;

ઇઝરાયલના વંશજો તમે યહોવાહની સ્તુતિ કરો.

પ્રથમ ત્યાં બિન્યામીનનું નાનું કુળ આગેવાની આપે છે,

પછી યહૂદાના આગેવાનો અને તેઓની સભા,

ત્યારબાદ ઝબુલોનના આગેવાનો અને નફતાલીના આગેવાનો પણ ત્યાં છે.

તમારા ઈશ્વરે તમારું બળ સર્જ્યું છે5;

હે ઈશ્વર, જેમ ભૂતકાળમાં તમે તમારું સામર્થ્ય પ્રગટ કર્યું હતું તેમ અમને તમારું સામર્થ્ય પ્રગટ કરો.

કેમ કે યરુશાલેમના તમારા ઘરમાં

રાજાઓ તમારી પાસે ભેટો લાવશે.

સરકટોમાં રહેનાર વન્ય પ્રાણીઓને ધમકાવો,

બળદોનાં ટોળાં તથા વાછરડાં જેવા લોકોને પણ ઠપકો આપો.

જે લોકો વિજયી થવા ચાહે છે, તેઓને તમારા પગ નીચે કચડી નાખો;

જે લોકો યુદ્ધમાં રાજી હોય છે, તેઓને તમે વિખેરી નાખો.

મિસરમાંથી રાજકુમારો આવશે;

કૂશના લોકો જલદી ઈશ્વર આગળ હાથ જોડશે.

હે પૃથ્વીના રાજ્યો, તમે ઈશ્વર માટે ગાઓ; સેલાહ

યહોવાહનું સ્તવન કરો.

પુરાતન કાળનાં આકાશોનાં આકાશ પર સવારી કરનારનું સ્તવન કરો;

જુઓ, તે પોતાની સામર્થ્યવાન વાણી કાઢે છે.

પરાક્રમ કેવળ ઈશ્વરનું છે;

તેમની સત્તા ઇઝરાયલ પર છે

અને તેમનું સામર્થ્ય આકાશોમાં છે.

હે ઈશ્વર, તમે તમારાં પવિત્રસ્થાનોમાં અતિ ભયાવહ છો;

ઇઝરાયલના ઈશ્વર પોતાના લોકોને સામર્થ્ય તથા બળ આપે છે.

ઈશ્વરની સ્તુતિ થાઓ.

Source notes (5)
  1. Footnote તે વાદળમાંથી સવાર થઈને આવે છે માટે તેમના માટે ઊંચું સ્થાન તૈયાર કરો
  2. Footnote ન્યાયાધીશ
  3. Footnote તે બગાડનું વર્ણન છે જે સ્ત્રીઓ એકબીજા વચ્ચે વિભાજન કરી રહી છે. કબૂતર ઇઝરાયલ માટે એક પ્રતીક છે ઘેટાંની વચ્ચે રહેનારાઓ માટે પણ ચાંદીમાં કવચાયેલી કબૂતરની પાંખો હોય છે, તેના ઝીણા સોનાનું હોય છે
  4. Footnote યહોવાહ સિનાઈ પર્વતથી પવિત્રસ્થાનમાં આવ્યા
  5. Footnote ઈશ્વર તમારું બળ દેખાવ

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.