ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
ગી.શા. 47
સર્વોપરી શાસક
મુખ્ય ગવૈયાને માટે; કોરાના દીકરાઓનું ગીત.
હે સર્વ લોકો, તાળી પાડો;
આનંદથી મોટા અવાજે ઈશ્વરની સ્તુતિ કરો.
કારણ કે પરાત્પર યહોવાહ ભયાવહ છે;
તે આખી પૃથ્વીના રાજાધિરાજ છે.
તે આપણા તાબામાં લોકોને તથા આપણા પગ નીચે
વિદેશીઓને હરાવીને મૂકશે.
તેમણે આપણા માટે આપણો વારસો પસંદ કર્યો છે,
એટલે તેમણે, પોતાના વહાલા યાકૂબની ઉત્તમતા પસંદ કરી છે. સેલાહ
ઈશ્વર વિજયના પોકારસહિત,
યહોવાહ રણશિંગડાના અવાજસહિત ચઢી ગયા છે.
ઈશ્વરનાં સ્તોત્રો ગાઓ, સ્તોત્રો ગાઓ;
આપણા રાજાનાં સ્તોત્રો ગાઓ, સ્તોત્રો ગાઓ.
કેમ કે ઈશ્વર આખી પૃથ્વીના રાજા છે;
સમજદારીથી તેમની પ્રશંસાનાં ગીતો ગાઓ.
ઈશ્વર વિદેશીઓ પર રાજ કરે છે;
ઈશ્વર પોતાના પવિત્ર સિંહાસન પર બિરાજમાન છે.
લોકોના રાજકુમારો એકત્ર થયા છે
ઇબ્રાહિમના ઈશ્વરના લોકોની સાથે બધા ભેગા થયા છે;
કેમ કે પૃથ્વીની સર્વ ઢાલો ઈશ્વરની છે;
તે સર્વોચ્ય છે.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.