ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
ગી.શા. 29
આંધીમાં ઈશ્વરનો અવાજ
દાઉદનું ગીત.
હે પરાક્રમી યહોવાહના દીકરાઓ, તમે તેમની સ્તુતિ કરો;
ગૌરવ તથા સામર્થ્ય યહોવાહને આપો.
યહોવાહના નામનું ગૌરવ તેમને આપો;
પવિત્રતાની શોભા ધારણ કરીને યહોવાહની સ્તુતિ કરો.
યહોવાહનો સાદ સાગરો પર ગાજે છે;
ગૌરવવાન ઈશ્વર ગર્જના કરે છે,
યહોવાહ ઘણા પાણી પર ગર્જના કરે છે.
યહોવાહનો અવાજ સમર્થ છે;
યહોવાહનો અવાજ માહાત્મ્યથી ભરપૂર છે.
યહોવાહનો અવાજ દેવદારોને ભાંગી નાખે છે;
યહોવાહ લબાનોનનાં દેવદારોના ટુકડેટુકડા કરી નાખે છે.
તે તેઓને વાછરડાની જેમ કુદાવે છે, જંગલી બળદની જેમ
લબાનોન તથા સીર્યોનને કુદાવે છે.
યહોવાહનો અવાજ અગ્નિની જ્વાળાને ભેદે છે.
યહોવાહનો અવાજ અરણ્યને ધ્રૂજાવે છે;
યહોવાહ કાદેશના અરણ્યને ધ્રૂજાવે છે.
યહોવાહના અવાજથી હરણીઓના ગર્ભ ગળી જાય છે1;
ઝાડીઓનાં ડાળાપાંખડાં તૂટી પડે છે;
પણ તેમના પવિત્રસ્થાનમાં સર્વ લોકો કહે છે, “તેમને મહિમા હો!”
યહોવાહ જળપ્રલય સમયે બિરાજમાન હતા;
યહોવાહ સદા સર્વકાળ રાજા તરીકે બિરાજનાર છે.
યહોવાહ પોતાના લોકોને સામર્થ્ય આપશે;
યહોવાહ પોતાના લોકોને શાંતિનો આશીર્વાદ આપશે.
Source notes (1)
- Footnote યહોવાહના અવાજથી ઓક વૃક્ષ પવનથી હાલે છે
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.