Skip to content
BibleKenya

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

માથ. 1

ઈસુ ખ્રિસ્તની વંશાવળી

લૂક 3:23-38

ઈસુ ખ્રિસ્ત જે ઇબ્રાહિમનાં દીકરા, જે દાઉદના દીકરા, તેમની વંશાવળી. ઇબ્રાહિમ ઇસહાકનો પિતા, ઇસહાક યાકૂબનો પિતા, યાકૂબ યહૂદા તથા તેના ભાઈઓનો પિતા, યહૂદા તથા તામારથી થયેલા પેરેસ અને ઝેરાહ, પેરેસ હેસ્રોનનો પિતા, હેસ્રોન આરામનો પિતા.

આરામ આમ્મીનાદાબનો પિતા, આમ્મીનાદાબ નાહશોનનો પિતા, નાહશોન સલ્મોનનો પિતા, સલ્મોન બોઆઝનો પિતા અને રાહાબ તેની માતા, બોઆઝ ઓબેદનો પિતા અને રૂથ તેની માતા, ઓબેદ યિશાઈનો પિતા અને યિશાઈ દાઉદ રાજાનો પિતા હતો. દાઉદ સુલેમાનનો પિતા હતો જેની મા પહેલા ઉરિયાની પત્ની હતી.

સુલેમાન રહાબામનો પિતા, રહાબામ અબિયાનો પિતા, અબિયા આસાનો પિતા, આસા યહોશાફાટનો પિતા, યહોશાફાટ યોરામનો પિતા, યોરામ ઉઝિયાનો પિતા હતો.

ઉઝિયા યોથામનો પિતા, યોથામ આહાઝનો પિતા, આહાઝ હિઝકિયાનો પિતા, હિઝકિયા મનાશ્શાનો પિતા, મનાશ્શા આમોનનો પિતા, આમોન યોશિયાનો પિતા, અને બાબિલના બંદીવાસને સમયે યોશિયા યખોન્યા તથા તેના ભાઈઓનો પિતા હતો.

અને બાબિલના બંદીવાસ પછી, યખોન્યા શાલ્તીએલનો પિતા, શાલ્તીએલ ઝરુબ્બાબેલનો પિતા, ઝરુબ્બાબેલ અબીઉદનો પિતા, અબીઉદ એલિયાકીમનો પિતા, એલિયાકીમ આઝોરનો પિતા, આઝોર સાદોકનો પિતા, સાદોક આખીમનો પિતા, આખીમ અલિયુદનો પિતા.

અલિયુદ એલાઝારનો પિતા, એલાઝાર મથ્થાનનો પિતા, મથ્થાન યાકૂબનો પિતા, અને યાકૂબ યૂસફનો પિતા, યૂસફ જે મરિયમનો પતિ હતો; અને મરિયમથી ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તે જનમ્યાં. ઇબ્રાહિમથી દાઉદ સુધી બધી મળીને ચૌદ પેઢી થઈ, દાઉદથી બાબિલના બંદીવાસ સુધી ચૌદ પેઢી, અને બાબિલના બંદીવાસથી ખ્રિસ્તનાં સમય સુધી ચૌદ પેઢી થઈ.

ઈસુ ખ્રિસ્તનો જન્મ

લૂક 2:1-7

ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો. તેમની મા મરિયમની સગાઈ યૂસફ સાથે થયા પછી, તેઓનો શારીરિક સંબંધ થયા અગાઉ તે પવિત્ર આત્માથી ગર્ભવતી થયેલી જણાઈ. તેનો પતિ યૂસફ એક પ્રામાણિક માણસ હતો, પણ તે જાહેરમાં તેનું અપમાન કરવા ન ચાહતો હતો. તેથી તેણે ગુપ્ત રીતે તેની સાથે સગાઈ તોડી નાખવાનો નિર્ણય કર્યો.

જયારે તે એ બાબત વિશે વિચારતો હતો, ત્યારે પ્રભુનો દૂત તેને સ્વપ્નમાં દેખાયો અને કહ્યું કે, “યૂસફ, દાઉદના દીકરા, તું તારી પત્ની મરિયમને તેડી લાવવાને બીશ નહિ; કેમ કે તેના ગર્ભમાં જે બાળક છે તે પવિત્ર આત્માથી છે. તેને દીકરો થશે અને તું તેમનું નામ ઈસુ પાડશે, કેમ કે તે પોતાના લોકોને તેઓનાં પાપથી ઉદ્ધાર કરશે.”

હવે એ બધું એ માટે થયું કે, પ્રભુએ પ્રબોધક દ્વારા જે કહ્યું હતું તે પૂરું થાય, એટલે, “જુઓ, કુંવારી ગર્ભવતી થશે, તેને દીકરો થશે અને તેનું નામ તેઓ ઇમ્માનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે, ‘ઈશ્વર આપણી સાથે.”

ત્યારે યૂસફે ઊંઘમાંથી ઊઠીને જેમ પ્રભુના સ્વર્ગદૂતે તેને આજ્ઞા આપી હતી તેમ કર્યું; તે પોતાની પત્નીને તેડી લાવ્યો. મરિયમને દીકરો થયો ત્યાં સુધી યૂસફે મરિયમની સાથે શારીરિક સંબંધ કર્યો નહિ; અને તેણે તેમનું નામ ઈસુ પાડ્યું.

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.