ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
યૂન. 2
યૂનાની પ્રાર્થના
ત્યારે યૂનાએ માછલીના પેટમાં રહીને પોતાના ઈશ્વર યહોવાહની પ્રાર્થના કરી. તેણે કહ્યું,
“મારી વિપત્તિ સંબંધી મેં ઈશ્વરને વિનંતી કરી,
અને તેમણે મને જવાબ આપ્યો;
શેઓલના ઊંડાણમાંથી1 સહાયને માટે મેં પોકાર કર્યો!
અને મારો અવાજ સાંભળ્યો.”
“હે પ્રભુ તમે મને સમુદ્રના ઊંડાણમાં ફેંક્યો હતો,
મારી આસપાસ પાણી હતા;
તેના સર્વ મોજાં અને છોળો,
મારા પર ફરી વળ્યાં.”
અને મેં કહ્યું, “મને તમારી નજર આગળ ફેંકી દેવામાં આવ્યો છે;
તોપણ હું ફરીથી તમારા પવિત્ર સભાસ્થાન તરફ જોઈશ.’
મારું જીવન નષ્ટ થઈ જાય એ રીતે પાણી મારી આસપાસ ફરી વળ્યાં,
આજુબાજુ ઊંડાણ હતું;
મારા માથાની આસપાસ દરિયાઈ વનસ્પતિ વીંટાળાઈ વળી હતી.
હું તો પર્વતોનાં તળિયાં સુધી નીચે ઊતરી ગયો;
મને અંદર રહેવા દઈને હમેશાંને માટે પૃથ્વીએ પોતાનાં બારણાં બંધ કરી દીધાં.
તેમ છતાં હે મારા ઈશ્વર પ્રભુ, તમે મારા જીવને ખાડામાંથી બહાર લાવ્યા છો.
જયારે મારો આત્મા મારામાં મૂર્છિત થયો, ત્યારે મેં ઈશ્વરનું ધ્યાન ધર્યું;
અને મારી પ્રાર્થના તમારી સંમુખ, તમારા પવિત્ર ઘરમાં પહોંચી.
જેઓ નકામા દેવો પર લક્ષ આપે છે
તેઓ પોતાના પર કૃપા દર્શાવનારને વિસરી જાય છે.
પણ હું મારા જીવનથી, આભારસ્તુતિ કરીને તમને બલિદાન ચઢાવીશ;
જે પ્રતિજ્ઞા મેં લીધી છે તે હું પૂરી કરીશ.
ઉદ્ધાર, ઈશ્વર દ્વારા જ છે.
પછી ઈશ્વરે માછલીને આજ્ઞા કરી. અને તેણે પેટમાંથી યૂનાને બહાર કાઢીને કોરી જમીન પર મૂક્યો.
Source notes (1)
- Footnote પાયો
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.