Skip to content
BibleKenya

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

યર્મિ. 51

બાબિલ સામે વધુ ન્યાયચુકાદો

યહોવાહ કહે છે કે; “જુઓ, હું બાબિલની વિરુદ્ધ,

તથા લે-કામાયમાં વસનારા વિરુદ્ધ વિનાશક વાયુ લાવીશ.

હું પરદેશીઓને બાબિલમાં મોકલીશ; તેઓ તેને વેરવિખેર કરી અને તેને ઉજ્જડ કરશે,

વિપત્તિના દિવસે તેઓ તેને ચારેબાજુથી ઘેરી લેશે

ધર્નુધારીઓને તેઓનું બાણ ખેંચવા દેશો નહિ; તેઓને બખતર પહેરવા દેશો નહિ.

તેઓના સૈનિકો પર દયા ન બતાવશો; તેઓના સૈન્યનો નાશ કરો.

ખાલદીઓના દેશમાં તેઓની હત્યા થઈને પડશે અને તેની શેરીઓમાં તેઓના મૃતદેહો પડ્યા રહેશે.

કેમ કે, ઇઝરાયલ અને યહૂદિયા તેઓના ઈશ્વર સૈન્યોના યહોવાહથી તજાયેલા નથી.

જોકે તેઓની ભૂમિ ઇઝરાયલના પવિત્રની વિરુદ્ધ કરેલાં અપરાધોથી ભરેલી છે.

બાબિલમાંથી નાસી જાઓ. સૌ પોતપોતાના જીવ બચાવવા નાસી જાઓ! બાબિલના પાપે તમે મરશો નહિ,

કેમ કે બદલો લેવાનો યહોવાહનો આ સમય છે. તે તેને ઘટતી સજા કરી રહ્યા છે.

બાબિલ તો યહોવાહના હાથમાં સોનાના પ્યાલા સમું હતું. તેણે સમગ્ર સૃષ્ટિને તેનો દ્રાક્ષારસ પીવડાવ્યો છે.

પ્રજાઓએ તે પીધો અને લોકો ઘેલા થયા.

પરંતુ હવે બાબિલનું અચાનક પતન થયું છે. તે ભાંગ્યું છે.

તેને માટે ચિંતા કરો, તેના ઘા માટે ઔષધિ લઈ આવો. કદાચ તે સાજું થાય પણ ખરું.

બાબિલના ઘા રૂઝવવા અમારાથી શક્ય તેટલો પ્રયત્ન અમે કર્યો, પરંતુ તે સ્વસ્થ ન થયું. તેને છોડી દો,

ચાલો આપણે સહુ પોતપોતાના દેશમાં પાછા ફરીએ, કેમ કે તેનું શાસન આકાશ સુધી પહોંચ્યું છે. તે ગગન સુધી ઊંચું ચઢ્યું છે.

યહોવાહે કહ્યું કે આપણે ન્યાયી છીએ. ચાલો,

આપણા યહોવાહે ઈશ્વર જે સર્વ કર્યું છે તે આપણે સિયોનમાં જઈને કહી સંભળાવીએ.

તમારાં બાણને ધારદાર બનાવો. તમારાં ભાથાં ભરી લો! ઢાલ ઊંચી કરો!

કેમ કે બાબિલ પર ચઢાઈ કરી તેનો વિનાશ કરવા યહોવાહે માદીઓના રાજાઓને કહ્યું છે, કેમ કે બાબિલનો નાશ કરવાનો તેનો સંકલ્પ છે,

અનિષ્ટ આચરણ કરનાર મંદિરને અપવિત્ર કરનાર લોકો પર આ રીતે યહોવાહ વૈર વાળી રહ્યાં છે.

બાબિલની દીવાલો પર આક્રમણ કરવા માટે ઝંડો ઊંચો કરો, સંરક્ષણ મજબૂત કરો.

અને ચોકીદારોને શહેરની આસપાસ ગોઠવો; ઓચિંતો છાપો મારવા માટે છુપાઈ રહો,

કેમ કે યહોવાહે જે કહ્યું છે તે સર્વ તે સંપૂર્ણ કરશે.

તમે બાબિલની નદીઓને કાંઠે વસવાટ કરો અને તેની વિપુલ સમૃદ્ધિને માણો.

તારો અંત આવ્યો છે; તારી જીવનદોરી કપાઇ જશે.

સૈન્યોના યહોવાહે પોતાના નામના સમ ખાઈને પ્રતિજ્ઞા કરી છે કે, “હું તીડોનાં ટોળાંની જેમ ગણ્યા ગણાય નહિ તેટલાં માણસોને તારી સામે લાવીશ

અને તેઓ તારો પરાજય કરી વિજયનાદ કરશે.

ઈશ્વરસ્તુતિનું ગીત

યહોવાહે પોતાની બળ અને બુદ્ધિથી પૃથ્વીનું સર્જન કર્યું છે,

પોતાના ડહાપણથી તેને સ્થિર કરીને સ્થાપી છે અને પોતાના કૌશલથી આકાશને વિસ્તાર્યું છે.

જ્યારે તે બોલે છે, ત્યારે આકાશમાં ગર્જના થાય છે. દુનિયાના દૂર દૂરના ખૂણેથી તે વાદળોને ઉપર ચઢાવે છે.

તે વરસાદ લાવે છે અને સાથે વીજળી ચમકાવે છે. અને પવનને મોકલે છે.

તેમની સરખામણીમાં સર્વ માણસો પશુ સમાન છે, તેઓ અજ્ઞાન છ; દરેક સોની પોતે બનાવેલી મૂર્તિ જોઈને લજ્જિત થાય છે,

કેમ કે તે બધી મૂર્તિઓ તો ખોટી છે; પ્રાણ વગરની છે.

મૂર્તિઓ વ્યર્થ છે, હાંસીપાત્ર છે, તે ખોટી છે; તેઓને સજા કરશે ત્યારે તે સર્વનો નાશ કરશે.

પરંતુ યાકૂબના ઈશ્વર એવા નથી, તે તો સમગ્ર સૃષ્ટિના સર્જક છે. અને ઇઝરાયલીઓને તે પોતાની વારસા કુળ તરીકે ગણે છે,

તેમનું નામ સૈન્યોના યહોવાહ છે.

યહોવાહની ફરશી

યહોવાહ કહે છે, “હે બાબિલ નગરી, તું મારી ફરશી તથા યુદ્ધશસ્ત્રો છે.

તારા વડે હું સર્વ પ્રજાઓનું ખંડન કરીશ. અને તારા વડે હું રાજ્યોનો નાશ કરીશ.

તારા વડે હું સૈન્યોને, ઘોડા તથા તેના સવારોને અને રથ તથા રથસવારોને કચડી નાખીશ.

તારાથી હું પુરુષ તથા સ્ત્રીનું ખંડન કરીશ. તારાથી વૃદ્ધો તથા જુવાનોને નષ્ટ કરીશ.

તારાથી હું છોકરાઓ તથા કન્યાઓનું ખંડન કરીશ.

ઘેટાંપાળકોને તથા ઘેટાબકરાનાં ટોળાંને, ખેડૂતોને તથા બળદોને,

રાજકર્તાઓને તથા અધિકારીઓને હું કચડી નાખીશ.

બાબિલને સજા

બાબિલને તથા ખાલદીઓના બધા લોકોને, તેઓએ સિયોનમાં આચરેલા કુકમોર્ને લીધે હું સજા કરીશ.

તે હું તમારી નજર સામે જ કરીશ.” એવું યહોવાહ કહે છે.

યહોવાહ કહે છે, જુઓ, હે બળવાન પર્વત બાબિલ, પૃથ્વીનો નાશ કરનાર,

હું તારી વિરુદ્ધ મારો હાથ ઉગામીશ અને તારી ઊંચાઇઓ પરથી તને નીચે ગબડાવીશ.

અને અગ્નિથી ભસ્મ થયેલા પર્વત જેવો કરી તને છોડી દઈશ.

તારો કોઈ પણ પથ્થર બાંધકામ માટે કે પાયાના પથ્થર તરીકે પણ નહિ વપરાય.

તું સદાને માટે ખંડેર રહેશે.” એવું યહોવાહ કહે છે.

પૃથ્વી પર ઝંડો ફરકાવો, બધી પ્રજાઓમાં રણશિંગડા ફૂંકાવો, વિદેશીઓને સજ્જ કરો.

અરારાટ, મિન્ની અને આશ્કેનાઝના રાજ્યોને તેની સામે લડવા બોલાવો,

તેની સામે હુમલો કરવાને સેનાપતિ નીમો. તીડોનાં ટોળાંની જેમ ઘોડેસવારોને ભેગા કરો.

તેની વિરુદ્ધ, માદીઓના રાજાઓ વિરુદ્ધ અને તેના રાજકર્તાઓ

અને અમલદારો સાથે તે સર્વ દેશોના લોકો જે તે તેના રાજ્યનો ભાગ છે તેઓની વિરુદ્ધ લડાઇને માટે તૈયારી કરો.

દેશ ધ્રૂજી ઊઠે છે અને પીડાય છે, કેમ કે બાબિલ વિરુદ્ધ યહોવાહનો સંકલ્પ દૃઢ છે.

યહોવાહ બાબિલને નિર્જન વગડો બનાવવાની તેમની પોતાની યોજના પાર પાડે છે.

બાબિલના અતિ પરાક્રમી યોદ્ધાઓ હવે યુદ્ધ કરતા નથી. તેઓ કિલ્લાઓમાં ભરાઈ ગયા છે,

તેઓ હિંમત હારી ગયા છે. અને સ્ત્રીઓ જેવા થઈ ગયા છે. આક્રમણ કરનારાઓએ તેઓનાં ઘરો બાળી નાખ્યાં છે અને નગરના દરવાજાઓ તોડી નાખ્યા છે.

આખું શહેર કબજે થઈ ગયું છે તેવું કહેવાને ચારેબાજુથી સંદેશાવાહકો

એક પાછળ એક બાબિલના રાજા પાસે દોડી આવ્યા છે.

નદી પાર કરવાના દરેક રસ્તાઓ કબજે કરાયા છે. બરુની ઝાડીઓને આગ લગાડવામાં આવી છે,

અને સૈનિકો ગભરાઈ ગયા છે.

સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર, કહે છે કે;’ બાબિલની સ્થિતિ તો ઘઉં ઝૂડવાની ખળી જેવી છે

જ્યાં ઘઉં ઝૂડવાના છે. થોડી વાર પછી ત્યાં લણણીની ઊપજને ધોકાવાનું શરૂ થશે.

યરુશાલેમ કહે છે, ‘બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર મને ખાઈ ગયો છે તેણે મને ચૂસી લીધું છે,

તેણે મને ખાલી પ્યાલાની જેમ એક બાજુએ ફગાવી દીધું છે. તે મને એક અજગરની જેમ આખે આખું ગળી ગયો છે,

અમારી સંપત્તિથી તેણે પોતાનું પેટ ભર્યું છે અને અમારા પોતાના શહેરમાંથી અમને નસાડી મૂક્યા છે.’

સિયોનના લોકો બોલી ઊઠશે, “અમારી પર કરેલાં દુષ્કૃત્યો બદલ બાબિલને સજા મળો!

યરુશાલેમ કહેશે કે, અમારું જે લોહી વહેવડાવવામાં આવ્યું છે તેની પૂરી કિંમત ખાલદીઓને ચૂકવવા દો!”

યહોવાહ ઇઝરાયલની પડખે

આથી યહોવાહ પોતાના લોકોને કહે છે, હું તમારો પક્ષ લઈશ અને તમારું વૈર વાળીશ.

હું બાબિલની નદીને સૂકવી નાખીશ અને તેના ઝરણાને વહેતું બંધ કરી દઈશ.

અને બાબિલના ઢગલા થશે. તે શિયાળવાંની બોડ થશે.

તે વસ્તીહીન થઈને વિસ્મય તથા હાંસી ઉપજાવે તેવું થશે.

બાબિલવાસીઓ બધા ભેગા થઈને જુવાન સિંહની જેમ ગર્જના કરે છે. સિંહના બચ્ચાની જેમ ઘૂરકાટ કરે છે.

જ્યારે તેઓ તપી જઈને મસ્ત બનશે ત્યારે હું તેઓને માટે ઉજાણી કરીશ, જેમાં તેઓ મોજ કરે

અને સદાની નિદ્રામાં પડે. તેઓ સદાને માટે ઊંઘી જશે અને ફરીથી કદી જાગશે નહિ, માટે હું તેઓને મગ્ન કરીશ એવું યહોવાહ કહે છે.

હું તેઓને હલવાનોની જેમ બકરાંસહિત ઘેટાંઓની જેમ કતલખાનામાં લઈ જઈશ.

બાબિલનો કરુણ અંજામ

શેશાખને કેવો જીતી લેવામાં આવ્યો છે! આખી પૃથ્વીમાં પ્રશસિત થયેલો તે કેવો પકડાયો છે! બાબિલ અન્ય પ્રજાઓમાં કેવો ઉજ્જડ થયો છે!

બાબિલ પર સમુદ્ર ફરી વળ્યો છે. તેનાં મોજાઓએ તેને ઢાંકી દીધું છે.

તેના નગરો ખંડેર સ્થિતિમાં પડ્યાં છે. સમગ્ર દેશ સૂકા અરણ્ય સમાન થઈ ગયો છે.

ત્યાં કોઈ રહેતું નથી અને તેમાં થઈને કોઈ મનુષ્ય પણ પસાર થતા નથી.

યહોવાહ કહે છે, “હું બાબિલમાં બેલને સજા કરીશ અને તે જે ગળી ગયો છે તે તેના મુખમાંથી પાછું કાઢીશ.

પ્રજાઓ તેની પાસે આવશે નહિ અને તેની પૂજા કરશે નહિ. અને બાબિલની ફરતે આવેલી દીવાલો પડી જશે.

ઓ મારી પ્રજા, બાબિલમાંથી નાસી જાઓ; યહોવાહના ભયંકર રોષમાંથી સૌ પોતપોતાના જીવ બચાવો.

હિંમત હારશો નહિ, દેશમાં ફેલાતી અફવાઓથી ગભરાઈ જશો નહિ,

એક વર્ષે એક અફવા ફેલાય છે, અને બીજે વર્ષે બીજી ફેલાઈ છે. દેશમાં બધે આંતરિક યુદ્ધો અને જુલમ ચાલી રહ્યા છે.

તેથી, જુઓ એવા દિવસો આવી રહ્યા છે, કે જ્યારે બાબિલની મૂર્તિઓને હું સજા કરનાર છું.

આખો દેશ લજ્જિત થશે, અને તેના બધા માણસો કપાઇને પડ્યા હશે.

ત્યારે આકાશ અને પૃથ્વી તેમ જ તેમાંનું સર્વ બાબિલના પતનથી હર્ષના પોકારો કરશે. એવું યહોવાહ કહે છે.

ઉત્તરમાંથી લોકો આવીને તેનો નાશ કરશે,

“બાબિલે જેમ ઇઝરાયલના કતલ થયેલાઓને પાડ્યા છે.

તેમ બાબિલના કતલ થયેલાઓને તેઓએ પાડ્યા છે.

બાબિલમાંના ઇઝરાયલીઓને ઈશ્વરનો સંદેશો

તમે જેઓ તેની તલવારનો ભોગ બનતા બચી ગયા છો, તે નાસી જાઓ રોકાશો નહિ દૂર દેશમાં,

યહોવાહને સંભારજો અને યરુશાલેમને ભૂલશો નહિ.”

અમે નિંદા સાંભળી છે. તેથી અમે લજ્જિત થયા છીએ,

કેમ કે, પરદેશીઓ યહોવાહના ઘરમાં પેસી ગયા છે.

તેથી યહોવાહ કહે છે, જુઓ, એવો સમય આવી રહ્યો છે કે જ્યારે હું બાબિલની મૂર્તિઓને સજા કરીશ

અને સમગ્ર દેશમાં ઘાયલ થયેલા માણસો નિસાસા નાખશે.

જો કે બાબિલ આકાશે પહોંચે તોપણ અને તે પોતાના ઊંચા કોટોની કિલ્લેબંધી કરે

તોપણ મારી પાસેથી તેના પર વિનાશક આવશે.’ એવું યહોવાહ કહે છે.

બાબિલના વધુ પતન વિષે

બાબિલમાંથી આવતા રુદનનાસ્વર અને જ્યાં ખાલદીઓ શાસન કરે છે ત્યાંથી આવતા ભયંકર વિનાશના અવાજો સંભળાય છે.

યહોવાહ બાબિલનો વિનાશ કરી રહ્યા છે. અને તેના કોલાહલને શમાવી રહ્યા છે.

શત્રુઓનું સૈન્ય મહાસાગરના તરંગોની જેમ ગર્જના અને ઘૂઘવાટા કરતું ધસી રહ્યું છે.

કેમ કે તેના પર એટલે બાબિલ પર વિનાશક આવી પહોંચ્યો છે. તેના યોદ્ધાઓ કેદ પકડાયા છે

અને તેઓનાં ધનુષ્ય તોડી પડાયાં છે, કેમ કે યહોવાહ તો પ્રતિફળ આપનારા ઈશ્વર છે.; તે નિશ્ચે બદલો લેશે.

સૈન્યોના યહોવાહ કહે છે, આ રાજાનો હુકુમ છે “હું તેના સરદારોને, જ્ઞાની માણસોને, રાજકર્તાઓને, અધિકારીઓને તથા શૂરવીર યોદ્ધાઓને ચકચૂર કરીશ,

તેઓ અનંત નિદ્રામાં પોઢી જશે, ફરી કદી જાગશે જ નહિ.

સૈન્યોના યહોવાહ કહે છે, બાબિલની મજબૂત દીવાલો ભોંયભેગી થઈ જશે,

તેના ઊંચા દરવાજાને આગ ચાંપવામાં આવશે,

જે બાંધવા માટે ઘણા લોકોએ પોતાની જાતને ઘસી નાખી હતી તે બધું ભસ્મ થઈ જશે, લોકોએ કરેલી બધી મહેનત ધૂળમાં મળી જશે.”

બાબિલના વિનાશની યર્મિયાએ પાઠવેલી નિશાની

યહૂદિયાના રાજા સિદકિયાના શાસનના ચોથા વર્ષમાં જ્યારે તેની સાથે યહૂદિયાના રાજા માસેયાના દીકરા નેરિયાનો દીકરા સરાયા બાબિલ ગયો, ત્યારે જે સૂચનાઓ યર્મિયા પ્રબોધકે સરાયાને આપી તે આ છે. સરાયા તો લશ્કરનો મુખ્ય અધિકારી હતો. યર્મિયાએ એક પુસ્તકમાં બાબિલ પર આવનારી આફતનું પૂરું વર્ણન અહીં જે બધું નોંધવામાં આવેલું છે તે લખી કાઢયું હતું.

યર્મિયાએ સરાયાને કહ્યું, જ્યારે તું બાબિલ પહોંચે ત્યારે આમાંના શબ્દે શબ્દ અચૂક વાંચી સંભળાવજે. અને કહેજે કે, હે યહોવાહ, તમે જાતે જાહેર કર્યું છે કે, આ જગ્યાનો નાશ કરવામાં આવશે, અહીં ફરી કોઈ વાસો કરશે નહિ. માણસ કે પશુ કોઈ નહિ. તે સદાકાળ ઉજ્જડ રહેશે.’”

જ્યારે તું આ પુસ્તક વાંચી રહે ત્યારે તેને પથ્થરો બાંધીને ફ્રાત નદીની વચ્ચોવચ્ચ નાખી દેજે. અને કહે જે કે, આવા જ હાલ બાબિલના થશે, યહોવાહ બાબિલ પર એવી આફત લાવનાર છે જેથી તે ડૂબી જાય અને ફરી કદી ઉપર આવે નહિ.’ અહીં યર્મિયાનાં વચન પૂરાં થાય છે.

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.