ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
યશા. 25
સ્તુતિગાન
હે યહોવાહ, તમે મારા ઈશ્વર છો; હું તમને મોટા માનીશ, હું તમારા નામની સ્તુતિ કરીશ;
કેમ કે તમે અદ્દભુત કાર્યો કર્યાં છે; તમે વિશ્વાસુપણે કરેલી પુરાતનકાળની યોજનાઓ પૂરી કરી છે.
કેમ કે તમે નગરનો ઢગલો કરી નાખ્યો છે; મોરચાબંધ નગરને ખંડિયેર કર્યું છે,
પરદેશીઓના ગઢને તમે નગરની પંક્તિમાંથી કાઢી નાખ્યો છે.
તેથી સામર્થ્યવાન લોકો તમારો મહિમા ગાશે; દુષ્ટ દેશોનું નગર તમારાથી બીશે.
જ્યારે દુષ્ટ લોકોનો વિસ્ફોટ કોટ પરના તોફાન જેવો થશે,
ત્યારે તમે ગરીબોના રક્ષક, સંકટ સમયે દીનોના આધાર,
તોફાનની સામે આશ્રય અને તડકાની સામે છાયા થશો.
સૂકી જગામાં તડકાની જેમ,
તમે અજાણ્યાના અવાજને દબાવી દેશો;
જેમ વાદળની છાયાથી તડકો ઓછો લાગે છે તેમ દુષ્ટોનું ગાયન મંદ કરવામાં આવશે.
ઈશ્વરે તૈયાર કરેલી મિજબાની
આ પર્વત પર સૈન્યોના યહોવાહ સર્વ લોકો માટે મેદવાળી વાનગીની ઉજવણી કરાવશે,
ઉત્તમ દ્રાક્ષારસની, કુમળા માંસની મિજબાની આપશે.
જે ઘૂંઘટ સઘળી પ્રજાઓ પર ઓઢાડેલો છે તેના પૃષ્ઠનો તથા જે આચ્છાદન સર્વ પ્રજાઓ પર પસારેલું છે,
તેનો આ પર્વત પર તે નાશ કરશે.
તે સદાને માટે મરણને ગળી જશે
અને પ્રભુ યહોવાહ સર્વના મુખ પરથી આંસૂ લૂછી નાખશે;
આખી પૃથ્વી પરથી તે પોતાના લોકોનું મહેણું દૂર કરશે, કેમ કે યહોવાહ એવું બોલ્યા છે.
તે દિવસે એવું કહેવામાં આવશે, “જુઓ, આ આપણા ઈશ્વર છે; આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ અને તે આપણો ઉદ્ધાર કરશે;
આ યહોવાહ છે; આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ, તેમણે કરેલા ઉદ્ધારથી આપણે હરખાઈને આનંદ કરીશું.”
ઈશ્વરે મોઆબને શિક્ષા કરશે
કેમ કે યહોવાહનો હાથ આ પર્વત પર થોભશે;
અને જેમ ઉકરડાનાં પાણીમાં ઘાસ ખુંદાય છે, તેમ મોઆબ પોતાને સ્થળે ખુંદાશે.
જેમ તરનાર તરવા માટે પોતાના હાથ પ્રસારે છે, તે પ્રમાણે તેઓ પોતાના હાથ પ્રસારશે;
અને તેના હાથની ચાલાકી છતાં યહોવાહ તેના ગર્વને ઉતારી નાખશે.
તારા કોટની ઊંચી કિલ્લેબંદીને પાડી નાખીને તેને જમીનદોસ્ત કરશે, તેને ધૂળભેગી કરી નાખશે.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.