Skip to content
BibleKenya

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

હોશિ. 1

યહૂદિયાના રાજાઓ ઉઝિયા, યોથામ, આહાઝ તથા હિઝકિયા તથા ઇઝરાયલના રાજા યોઆશના દીકરા યરોબામના શાસન દરમ્યાન બેરીના દીકરા હોશિયાની પાસે યહોવાહનું વચન આવ્યું તે આ છે.

હોશિયાનું લગ્નજીવન અને તેનો અર્થ

જ્યારે યહોવાહ પ્રથમ વખત હોશિયા મારફતે બોલ્યા, ત્યારે તેમણે તેને કહ્યું,

“જા, ગણિકા સાથે લગ્ન કર.

તેને બાળકો થશે અને તેને પોતાનાં કરી લે.

કેમ કે મને તજીને

દેશ વ્યભિચારનું મોટું પાપ કરે છે.”

તેથી હોશિયાએ જઈને દિબ્લાઈમની દીકરી ગોમેર સાથે લગ્ન કર્યાં. તે ગર્ભવતી થઈ અને તેણે દીકરાને જન્મ આપ્યો. યહોવાહે હોશિયાને કહ્યું,

“તેનું નામ યિઝ્રએલ1 રાખ.

કેમ કે થોડા જ સમયમાં

યિઝ્રએલના લોહીના બદલા માટે

હું યેહૂના કુટુંબનો નાશ કરીશ,

હું ઇઝરાયલના રાજ્યનો

અંત લાવીશ.

તે દિવસે એવું થશે કે

હું ઇઝરાયલનું ધનુષ્ય

યિઝ્રએલની ખીણમાં ભાગી નાખીશ.”

ગોમેર ફરીથી ગર્ભવતી થઈ અને દીકરીને જન્મ આપ્યો. યહોવાહે હોશિયાને કહ્યું,

તેનું નામ લો-રૂહામા પાડ,

કેમ કે હવે પછી હું કદી

ઇઝરાયલ લોકો પર દયા રાખીશ નહિ

તેઓને કદી માફ કરીશ નહિ.

પરંતુ હું યહૂદિયાના લોકો પર દયા કરીશ,

યહોવાહ તેમનો ઈશ્વર થઈને હું તેઓનો ઉદ્ધાર કરીશ.

ધનુષ્ય, તલવાર, યુદ્ધ, ઘોડા કે ઘોડેસવારોથી

હું તેઓનો ઉદ્ધાર નહિ કરું.

લો-રૂહામાને સ્તનપાન છોડાવ્યા પછી ગોમેર ફરીથી ગર્ભવતી થઈ અને તેણે દીકરાને જન્મ આપ્યો. ત્યારે યહોવાહે કહ્યું,

“તેનું નામ લો-આમ્મી પાડ,

કેમ કે તમે મારા લોકો નથી,

હું તમારો ઈશ્વર નથી.”

ઇઝરાયલનો ઉદ્ધાર થશે

તોપણ ઇઝરાયલ લોકોની સંખ્યા

સમુદ્રની રેતી જેટલી થશે,

જે ન તો માપી શકાશે કે ન ગણી શકાશે.

તેઓને એવું કહેવામાં આવ્યું હતું કે, “તમે મારા લોકો નથી,”

તેને બદલે એવું કહેવામાં આવશે કે, “તમે જીવંત ઈશ્વરના લોકો છો.”

યહૂદિયાના લોકો તથા ઇઝરાયલના લોકો

એકત્ર થશે2.

તેઓ પોતાના માટે એક આગેવાન નીમીને,

દેશમાંથી ચાલી નીકળશે,

કેમ કે યિઝ્રએલનો દિવસ મોટો થશે.

Source notes (2)
  1. Footnote યિઝ્રએલ શહેરમાં ઇઝરાયલના રાજા યેહૂએ તેના બધા રાજ પરિવારના લોકોની હત્યા કરી હતી. અને તે નવા શાસનનો પ્રથમ રાજા બન્યા. જુઓ 2 રાજા 9-10.
  2. Footnote તેઓને રોપશે

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.