ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
હઝ. 48
કુળો પ્રમાણે દેશની વહેંચણી
કુળોનાં નામ આ પ્રમાણે છે. દાનનું કુળ દેશનો એક ભાગ પ્રાપ્ત કરશે: તેની સરહદ ઉત્તરની સરહદથી હેથ્લોનના રસ્તાની બાજુએ લબો હમાથ સુધી. દમસ્કસની સરહદ ઉપરના હસાર-એનાન સુધી અને ઉત્તરે હમાથ સુધી, તે પ્રદેશની પૂર્વ તથા પશ્ચિમ તરફની આ સરહદો છે. દાનની સરહદની બાજુમાં પૂર્વથી પશ્ચિમ સુધીનો એક ભાગ આશેરનો છે. આશેરની સરહદની લગોલગ પૂર્વ બાજુથી તે છેક પશ્ચિમ બાજુ સુધીનો એક ભાગ નફતાલીનો.
નફતાલીની સરહદની લગોલગ પૂર્વ બાજુથી પશ્ચિમ બાજુનો એક ભાગ મનાશ્શાનો. મનાશ્શાની સરહદની લગોલગ પૂર્વથી પશ્ચિમ સુધીનો એક ભાગ એફ્રાઇમનો છે. એફ્રાઇમની સરહદની લગોલગ પૂર્વથી પશ્ચિમ સુધીનો એક ભાગ રુબેનનો છે. રુબેનની સરહદની લગોલગ પૂર્વથી પશ્ચિમ સુધીનો એક ભાગ યહૂદિયાનો છે.
દેશની વચ્ચે જમીનનો ખાસ ભાગ
યહૂદિયાની સરહદની લગોલગ પૂર્વથી પશ્ચિમ સુધીનો ભાગ તમારે અર્પણ કરવો; તે પચીસ હજાર હાથ પહોળો હતો. તેની લંબાઈ વંશજોને આપેલા ભાગ જેટલી પૂર્વથી તે પશ્ચિમ તરફ લાંબી હશે. તેની મધ્યમાં સભાસ્થાન આવશે. યહોવાહને અર્પણ કરે તે ભૂમિ પચીસ હજાર હાથ લાંબી તથા દસ હજાર હાથ પહોળી હશે.
આ પવિત્ર હિસ્સો યાજકોને મળશે. તે ઉત્તર તરફ તેની લંબાઈ પચીસ હજાર હાથ તથા પશ્ચિમ તરફ તેની પહોળાઈ દસ હજાર હાથ, પૂર્વ તરફ પહોળાઈ દસ હાથ, દક્ષિણ તરફ લંબાઈ પચીસ હજાર હાથ હોય, યહોવાહનું સભાસ્થાન તેની મધ્યે આવશે. આ સાદોકના વંશના પવિત્ર થયેલા યાજકો જેઓ મારી સેવા કરતા હતા, જ્યારે ઇઝરાયલી લોકો ભટકી ગયા ત્યારે જેમ લેવીઓ ભટકી ગયા તેમ ભટકી ન ગયા, તેઓને સારુ થાય. તો ભૂમિના અર્પણમાંથી તેઓના હકનું પરમ પવિત્ર અર્પણ, લેવીઓની સરહદ લગોલગ થાય.
યાજકોના દેશની સરહદની લગોલગ લેવીઓનો દેશ છે, તે પચીસ હાથ લાંબો અને દસ હજાર હાથ પહોળો છે. તેની આખી લંબાઈ પચીસ હજાર હાથ લાંબી અને વીસ હજાર હાથ પહોળી છે. તેઓ તેનો કોઈ ભાગ વેચે નહિ, તેમ જ બદલે નહિ; ઇઝરાયલ દેશનું પ્રથમ ફળ આ વિસ્તારથી અલગ હશે, કેમ કે આ બધું યહોવાહને પવિત્ર છે.
બાકી રહેલી ભૂમિ પચાસ હજાર હાથ પહોળી અને પચીસ હજાર હાથ લાંબી છે, પણ લોકોના સામાન્ય ઉપયોગ માટે છે. લોકો ત્યાં રહે અને જમીનનો ઉપયોગ કરે; તેની મધ્યમાં શહેર છે. આ નગરનું માપ: તેની ઉત્તર બાજુ ચાર હજાર પાંચસો હાથ લાંબી; તેની દક્ષિણ બાજુ ચાર હજાર પાંચસો લાંબી; તેની પૂર્વ બાજુ ચાર હજાર હાથ લાંબી; તેની પશ્ચિમ ચાર હજાર પાંચસો હાથ લાંબી.
નગરના ગૌચરો ઉત્તર તરફ અઢીસો હાથ ઊંડાં, દક્ષિણે અઢીસો હાથ ઊંડાં, પૂર્વે અઢીસો હાથ ઊંડાં તથા પશ્ચિમે અઢીસો હાથ ઊંડાં થશે. પવિત્ર અર્પણનો બચેલો ભાગ પૂર્વ તરફ દસ હજાર હાથ અને પશ્ચિમ તરફ દસ હજાર હાથ હોય. તે પવિત્ર અર્પણની લગોલગ હોય, તે નગરમાં કામ કરતા લોક માટે ખોરાકને અર્થે થાય.
નગરમાં કામ કરતા લોકો, જેઓ ઇઝરાયલ કુળના છે તેઓ તે જમીન ખેડે. આ બધી અર્પણની લંબાઈ પચીસ હજાર હાથ અને પહોળાઈ પચીસ હજાર હાથ હોય, આ રીતે તું બધા સાથે મળીને નગરની ભૂમિ માટે પવિત્ર અર્પણ કરે.
પવિત્ર અર્પણની બીજી બાજુની બાકીની ભૂમિ તથા નગરનો ભાગ તે સરદારનો ગણાશે. સરદારની ભૂમિનો વિસ્તાર પૂર્વબાજુ પૂર્વ સરહદ સુધીનો પ્રદેશ પચીસ હજાર હાથ અને એ જ પ્રમાણે પશ્ચિમ બાજુ પશ્ચિમ સરહદ સુધીનો પ્રદેશ પચીસ હજાર હાથ વધારવો. આ બન્ને પ્રદેશોની મધ્યમાં પવિત્ર મંદિર અને પવિત્ર ભૂમિ આવશે. લેવીઓની સંપત્તિ તથા નગરની સંપત્તિ જેઓ સરદારની મધ્યે છે તેઓમાંથી પણ સરદારને યહૂદિયાની તથા બિન્યામીનની સરહદની વચ્ચે મળે.
બાકીનાં કુળોના હિસ્સા
બાકીનાં કુળોને આપવામાં આવેલો જમીનનો ભાગ આ પ્રમાણે છે: પૂર્વ બાજુથી પશ્ચિમ બાજુ સુધીનો એક ભાગ બિન્યામીનનો. બિન્યામીનના સરહદની દક્ષિણે પૂર્વ બાજુથી પશ્ચિમ બાજુ સુધીનો એક ભાગ શિમયોનનો. શિમયોનની સરહદની લગોલગ, પૂર્વથી પશ્ચિમ સુધીનો એક ભાગ ઇસ્સાખારનો. ઇસ્સાખારની સરહદની લગોલગ પૂર્વથી પશ્ચિમ સુધીનો એક ભાગ ઝબુલોનનો.
ઝબુલોનની સરહદની લગોલગ પૂર્વથી પશ્ચિમ સુધીનો એક ભાગ ગાદનો. ગાદની દક્ષિણ સરહદની લગોલગ તામારથી મરીબા કાદેશનાં પાણી સુધી અને આગળ મિસરના ઝરણાં સુધી અને મહાસમુદ્ર સુધી હોય. આ એ દેશ છે જેના માટે તમે ચિઠ્ઠીઓ નાખી હતી, તે ઇઝરાયલ કુળનો વારસો છે. આ તેમના હિસ્સા છે. આમ પ્રભુ યહોવાહ કહે છે.
યરુશાલેમના દરવાજા
નગરના દરવાજા આ પ્રમાણે છે: ઉત્તરની બાજુનું માપ ચાર હજાર પાંચસો હાથ લાંબું છે. નગરના દરવાજાનાં નામ ઇઝરાયલનાં કુળોનાં નામો પ્રમાણે રાખવાં; ઉત્તરે ત્રણ દરવાજા એક રુબેનનો દરવાજો, એક યહૂદિયાનો દરવાજો, એક લેવીનો દરવાજો; પૂર્વ બાજુની દીવાલનું માપ ચાર હજાર પાંચસો હાથ હશે. તેના ત્રણ દરવાજાઓ: યૂસફનો દરવાજો, બિન્યામીનનો દરવાજો તથા દાનનો દરવાજો.
દક્ષિણ બાજુની દીવાલની લંબાઈ ચાર હજાર પાંચસો હાથ છે. તેના ત્રણ દરવાજા શિમયોનનો દરવાજો, ઇસ્સાખારનો દરવાજો તથા ઝબુલોનનો દરવાજો. પશ્ચિમ બાજુની દીવાલની લંબાઈ ચાર હજાર પાંચસો હાથ છે અને તેના ત્રણ દરવાજા ગાદનો દરવાજો, આશેરનો દરવાજો, અને નફતાલીનો દરવાજો. નગરની ચારેતરફનું માપ અઢાર હજાર હાથ થાય, અને તે દિવસથી તે નગરનું નામ ‘યહોવાહ શામ્માહ’ એટલે “યહોવાહ ત્યાં છે,” એવું પડશે.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.