Skip to content
BibleKenya

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

નિર્ગ. 26

મુલાકાતમંડપ

વળી તું દશ પડદાનો મંડપ બનાવજે. આ પડદા ઝીણા કાંતેલા શણના અને નિપુણ વણકરોના વણેલા વસ્ત્રના અને ભૂરા, કિરમજી તથા જાંબલી પડદા તૈયાર કરજે. એ પડદાઓ ઉપર જરીથી કળામય રીતે કરુબો ભરાવજે. પ્રત્યેક પડદો અઠ્ઠાવીસ હાથ લાંબો અને ચાર હાથ પહોળો હોય; બધા જ પડદા એક સરખા માપના હોય. પાંચ પડદા એકબીજા સાથે જોડાય અને બીજા પાંચ પડદા પણ એકબીજા સાથે જોડાય.

પહેલા સમૂહના પડદા પર જાંબુડિયા રંગના વસ્ત્રનાં નાકાં મૂકાવજે. બીજા સમૂહના છેલ્લા પડદા પર પણ એવું જ કરજે. પહેલા સમૂહના પડદામાં તું પચાસ નાકાં બનાવજે અને બીજા સમૂહના પડદામાં પચાસ નાકાં બનાવજે તે નાકાં એકબીજાની સામસામાં આવવાં જોઈએ. પછી સોનાની પચાસ કડીઓ બનાવજે અને તેઓ વડે તું પડદાને એકબીજા સાથે જોડી દેજે. એટલે એક આખો મંડપ બનશે.

આ પવિત્ર મંડપ ઉપર તંબુ બનાવવા માટે તું બકરાંના વાળના વસ્ત્રના અગિયાર પડદા તૈયાર કરજે. એ અગિયાર પડદા એક સરખા માપના હોવા જોઈએ. દરેક પડદો ત્રીસ હાથ લાંબો અને ચાર હાથ પહોળો હોય. એમાંના પાંચ પડદાને એક સાથે સીવીને સળંગ એક પડદો બનાવજે. બાકીના છ પડદાને ભેગા સીવીને બીજો પડદો બનાવજે. એમાંનો છઠ્ઠો પડદો તંબુના પ્રવેશદ્વાર ઉપર બેવડો વાળજે.

અને સમૂહનો જે છેલ્લો પડદો છે તેની બાજુએ પચાસ નાકાં અને બીજા પડદાની બાજુએ પચાસ નાકાં બનાવજે. અને પિત્તળની પચાસ કડીઓ બનાવજે અને તેને પેલા નાકાંમાં પરોવી બન્ને પડદાને જોડી દઈને એક સળંગ તંબુ બનાવજે.

અને તંબુ પરથી વધારાનો લટકતો રહેતો ભાગ મંડપના પાછલા ભાગ પર લટકતો રાખજે. તંબુની બન્ને બાજુએ પડદાઓ તંબુના છેડેથી એક હાથ નીચા રહેશે. આથી આ તંબુ પવિત્ર મંડપને સંપૂર્ણ રીતે આચ્છાદન કરશે. તંબુ માટે ઘેટાંના લાલ રંગેલાં ચામડાંનું બીજું આચ્છાદન બનાવજે અને તેના પર ઢાંકવા માટે મુલાયમ ચામડાનું આચ્છાદન બનાવજે.

પવિત્રમંડપના ટેકા માટે તું બાવળનાં પાટિયાં બનાવીને ઊભા મૂકજે. પ્રત્યેક પાટિયું દસ હાથ લાંબું અને દોઢ હાથ પહોળું હોય. પ્રત્યેક પાટિયામાં એકબીજાની સાથે જોડાયેલાં બે સાલ હોય; પવિત્ર મંડપની બધી જ બારસાખો સરખી હોવી જોઈએ. પવિત્ર મંડપની દક્ષિણની બાજુ માટે વીસ પાટિયાં બનાવજે.

અને પ્રત્યેક પાટિયાનાં બે સાલને બેસાડવા માટે તેની નીચે બે કૂંભી એમ ચાંદીની કુલ ચાલીસ કૂંભીઓ બનાવજે. એ જ પ્રમાણે મંડપની ઉત્તરની બાજુ માટે પણ વીસ પાટિયાં, ચાંદીની ચાળીસ કૂંભીઓ બનાવજે, જેથી દરેક પાટિયાં નીચે બબ્બે કૂંભી આવે.

મુલાકાતમંડપની પશ્ચિમ તરફના પાછળના ભાગ માટે છ પાટિયાં બનાવજે. અને મંડપના પાછળના ભાગના બે ખૂણાને માટે તું બે પાટિયાં બનાવજે. આ ખૂણા પરનાં પાટિયાં નીચેથી એકબીજા સાથે બંધ બેસતાં હોય અને છેક ઉપર એક કડી બધાં પાટિયાંને સાથે રાખે. બન્ને ખૂણાઓમાં એમ કરવું. બે ખૂણા માટેનાં બે પાટિયાં આ રીતે બનાવજે એટલે બે ખૂણા બની જશે. આમ, આઠ પાટિયાં અને ચાંદીની સોળ કૂંભી થશે. પ્રત્યેક પાટિયાં નીચે બબ્બે કૂંભીઓ રાખજે.

વળી તું બાવળના લાકડાની આડી વળીઓ બનાવજે. પવિત્ર મંડપની એક બાજુનાં પાટિયાને માટે પાંચ ભૂંગળો બનાવજે. પવિત્ર મંડપની બીજી બાજુનાં પાટિયાં માટે પાંચ ભૂંગળો, તેમ જ પશ્ચિમ તરફથી પાછલી બાજુ માટે પાંચ ભૂંગળો. વચલી વળી પાટિયાની વચ્ચે તંબુના એક છેડાથી બીજા છેડા સુધી આવે.

વળી પાટિયાંને સોનાથી મઢાવજે અને રીંગને ભેરવવા માટે તેમાં સોનાનાં કડાં બેસાડવાં અને રીંગને પણ તું સોનાથી મઢાવજે. તને પવિત્ર મંડપનો જે નમૂનો મેં પર્વત પર બતાવ્યો છે તે પ્રમાણે તું પવિત્ર મંડપ ઊભો કરજે.

તું ભૂરા, કિરમજી અને લાલ ઊનનો અને ઝીણા કાંતેલા શણનો એક ખાસ પડદો તંબુમાં ભાગ પાડવા માટે બનાવજે. એના ઉપર જરી વડે કલામય રીતે કરુબોની આકૃતિઓ ભરાવજે. અને તું તેને સોનાથી મઢેલા બાવળના ચાર સ્તંભ પર લટકાવજે, તેઓને સોનાની આંકડીઓ અને તેઓની કૂંભીઓ ચાંદીની હોઈ. એ આંકડીઓ નીચે તું પડદો લટકાવજે. અને કરારનો તકતીઓવાળો કરારકોશ એ પડદા પાછળ મૂકજે. એ પડદો પવિત્રસ્થાનને પરમ પવિત્રસ્થાનથી જુદું પાડશે.

પરમ પવિત્રસ્થાનમાં કરારકોશ પર આચ્છાદન કરજે. પવિત્ર જગ્યાની અંદર પડદાની પેલી બાજુએ જે ખાસ મેજ બનાવ્યું છે તે મૂકજે અને તેને તંબુની ઉત્તર બાજુએ ગોઠવજે. પછી દીવીને દક્ષિણ તરફ બાજઠની સામે મૂકજે.

વળી, તું પવિત્ર મંડપના પ્રવેશદ્વાર માટે ભૂરા, કિરમજી અને લાલ ઊનનો અને ઝીણા કાંતેલા શણનો જરી વડે સુંદર ભરતકામ કરેલો પડદો બનાવજે. અને એ પડદા માટે બાવળના લાકડાની સોનાથી મઢેલી અને સોનાની કડીવાળી પાંચ થાંભલી બનાવજે અને એ થાંભલીઓ માટે પિત્તળની ઢાળેલી પાંચ કૂંભીઓ બનાવજે.

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.