Skip to content
BibleKenya

Biblica® Open Gujarati Contemporary Bible

સંદર્શન 17

બેબિલોન, પશુ પરની વેશ્યા

જેની પાસે સાત પ્યાલા હતા તે દૂતોમાંના એકે આવીને મને કહ્યું, “આવ, અને ઘણાં પાણી પર બેસનાર મોટી વેશ્યાને શી સજા થવાની છે તે હું તને બતાવીશ. જગતના રાજાઓએ તેની સાથે વ્યભિચાર કર્યો છે, અને પૃથ્વી પરના લોકો તેના વ્યભિચારનો દ્રાક્ષારસ પીને ચકચૂર થયા છે.”

પછી દૂત આત્મામાં મને અરણ્યમાં લઈ ગયો. ત્યાં મેં કિરમજી રંગના પશુ પર એક સ્ત્રીને બેઠેલી જોઈ તે પશુ ઈશ્વરનિંદક નામોથી ભરેલું હતું અને તેને સાત માથાં અને દસ શિંગડાં હતાં. તે સ્ત્રીએ જાંબલી અને કિરમજી રંગનાં વસ્ત્ર પહેર્યા હતાં, અને તેણે સોનું, કિંમતી રત્નો અને મોતીથી શણગારેલી હતી, તેના હાથમાં તેના તિરસ્કારપાત્ર ભ્રષ્ટતા અને વ્યભિચારથી ભરેલો સોનાનો પ્યાલો હતો.

તેના કપાળ પર એક રહસ્યમય નામ લખેલું હતું:

મહાન બેબિલોન,

વેશ્યાઓની તથા સમસ્ત

પૃથ્વીનાં ધિક્કારપાત્ર કૃત્યોની માતા.

મેં તે સ્ત્રીને સંતોનું લોહી તથા ઈસુના શહીદોનું લોહી પીધેલી જોઈ.

જયારે મેં તેને જોઈ, ત્યારે હું આશ્ચયઁ પામ્યો. પછી દૂતે મને કહ્યું, “તને નવાઈ કેમ લાગે છે? તે સ્ત્રી તથા સાત માથાં અને દસ શિંગડાંવાળું પશુ જેનાં પર તે બેઠેલી છે તે કોણ છે તેનું રહસ્ય હું તને સમજાવું છું. જે પશુ તેં જોયું તે હતું પણ હાલ નથી, અને છતાં તે અસીમ ઊંડાણમાંથી બહાર આવશે, અને તેના વિનાશમાં જશે. વળી પૃથ્વી પરના જે લોકોનાં નામ જગતના આરંભ પહેલાં જીવનનાં પુસ્તકમાં લખવામાં આવ્યા ન હતાં તેઓ તે પશુને જોઈને આશ્ચર્યચકિત થઈ જશે. કારણ કે તે એક વાર હતું, અત્યારે નથી, અને તે ફરીથી આવશે.

“આનો ખુલાશો જ્ઞાની મન કરે. જે સાત માથાં છે તે સાત ટેકરીઓ છે જેની પર સ્ત્રી બેઠેલી છે. વળી, તેઓ સાત રાજાઓ છે. તેમાંનાં પાંચનુ પતન થઈ ચૂકયું છે, એક છે, અને હજી એક આવ્યો નથી; પણ જયારે તે આવશે, પણ તે ટૂંક સમય જ રહેવો જોઈએ. જે પશુ એક વાર હતું, અને હવે નથી, તે આઠમો છે, તે સાતમાંનો એક છે, અને તે તેનાં નાશમાં જશે.

“દસ શિંગડાં તેં જોયાં તે દસ રાજાઓ છે. જેઓએ હજી સુધી રાજય મેળવ્યું નથી; પણ પશુની સાથે એક ઘડીભર રાજાઓના જેવો અધિકાર તેમને મળે છે. તેઓ એક વિચારના છે અને તેઓ પોતાની સર્વ સત્તા અને અધિકાર પશુને સોંપી દેશે. તેઓ હલવાનની વિરુધ્ધ લડાઈ કરશે, પરંતુ હલવાનનો તેઓ પર વિજય થશે, કારણ કે તેઓ પ્રભુઓના પ્રભુ તથા રાજાઓનાં રાજા છે, અને તેમની સાથે તેમના તેડાયેલા અને પસંદ કરાયેલા તથા વિશ્વાસુ છે.”

પછી દૂતે મને કહ્યું, “જે પાણી તેં જોયાં, જયાં તે વેશ્યા બેઠેલી છે, તેઓ તે લોકો, સમૂહો, રાજયો, અને ભાષાઓ છે. તેં પશુ અને દસ શિંગડાં જોયા તે વેશ્યાને ધિક્કારશે. તેઓ તેના પર હુમલો કરીને તેને નગ્ન કરશે; તેઓ તેનું માંસ ખાશે અને તેને અગ્નિથી બાળી નાંખશે. કેમકે ઈશ્વરે તેઓના હ્રદયમાં એવું મૂ્કયું છે કે તેઓ પોતાના હેતુઓ પૂર્ણ કરે અને ઇશ્વરના વચનો પૂરાં થાય, ત્યાં સુધી તેઓ પશુને પોતાનું રાજ્ય અધિકાર સોંપી દેવ સંમત થાય. જે સ્ત્રીને તે જોઈ છે તે તો મહાન શહેર છે જે પૃથ્વીનાં રાજાઓ પર રાજ કરે છે.”

Biblica® Open Gujarati Contemporary Bible. Copyright © Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. Source: Open.Bible. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-11-09.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.