Skip to content
BibleKenya

Indian Revised Version (IRV) Gujarati-2019

2 કાળ. 3

પછી સુલેમાને યરુશાલેમમાં મોરિયા પર્વત પર ઈશ્વરનું સભાસ્થાન બાંધવાની શરૂઆત કરી. ત્યાં તેના પિતા દાઉદને ઈશ્વરે દર્શન આપ્યું હતું. તેના પર જે જગ્યા દાઉદે યબૂસી ઓર્નાનની ઘઉં ઝૂડવાની ખળીમાં તૈયાર કરી હતી, ત્યાં ઈશ્વરનું સભાસ્થાન બાંધવાનો પ્રારંભ કર્યો. આ બાંધકામની શરૂઆત તેણે પોતાના શાસનના ચોથા વર્ષના બીજા માસના બીજા દિવસથી કરી. હવે સુલેમાન ઈશ્વરનું જે સભાસ્થાન બાંધવાનો હતો તેના પાયાનાં માપ આ પ્રમાણે હતાં. તેની લંબાઈ સાઠ હાથ તથા પહોળાઈ વીસ હાથ હતી.

સભાસ્થાનના આગળના દ્વારમંડપની લંબાઈ સભાસ્થાનની પહોળાઈ જેટલી વીસ હાથ હતી. તેની ઊંચાઈ પણ વીસ હાથ હતી અને સુલેમાને તેની અંદરના ભાગને શુદ્ધ સોનાથી મઢાવ્યો હતો. તેણે મોટા ઓરડાની અંદરની દીવાલોને દેવદારના પાટિયાં જડી દીધાં, તેમને શુદ્ધ સોનાથી મઢ્યાં અને તેમના ઉપર ખજૂરીઓ તથા સાંકળીઓ કોતરાવી.

તેણે સભાસ્થાનને મૂલ્યવાન રત્નોથી શણગાર્યું; એ સોનું પાર્વાઈમથી લાવવામાં આવ્યું હતું. વળી તેણે સભાસ્થાનના મોભને, તેના ઊમરાઓને, તેની દીવાલોને અને તેનાં બારણાંઓને સોનાથી મઢાવ્યાં; દિવાલો પર કરુબો કોતરાવ્યા.

તેણે પરમપવિત્રસ્થાન બનાવ્યું. તેનું માપ આ પ્રમાણે હતું: તેની લંબાઈ સભાસ્થાનની પહોળાઈ પ્રમાણે વીસ હાથ, પહોળાઈ પણ વીસ હાથ અને ઊંચાઈ વીસ હાથ હતી. તેણે તેને છસો તાલંત ચોખ્ખા સોનાથી મઢ્યું હતું. સોનાના ખીલાઓનું વજન પચાસ શેકેલ હતું. તેણે ઉપરના ઓરડાઓને પણ સોનાથી મઢાવ્યા.

તેણે પરમપવિત્રસ્થાનને માટે બે કરુબોની કલાકૃતિઓ બનાવી; તેઓને ચોખ્ખા સોનાથી મઢાવ્યાં. કરુબોની પાંખો વીસ હાથ લાંબી હતી; એક કરુબની એક પાંખ પાંચ હાથ લાંબી હતી, તે ફેલાઈને સભાસ્થાનની દીવાલ સુધી સ્પર્શતી હતી; બીજી પાંખ પણ પાંચ હાથ લાંબી હતી, તે પણ ફેલાઈને બીજા કરુબની પાંખને પહોંચતી હતી. એ જ પ્રમાણે બીજા કરુબની એક પાંખ ફેલાઈને સભાસ્થાનની બીજી દિવાલને સ્પર્શતી હતી; બીજી પાંખ પણ પાંચ હાથ લાંબી હતી, તે પહેલા કરુબની પાંખ સુધી પહોંચતી હતી.

આ પ્રમાણે કરુબોની પાંખો વીસ હાથ ફેલાયેલી હતી. કરુબો પોતાના પગો ઉપર ઊભા રહેલા અને તેઓનાં ચહેરા અંદરની બાજુએ હતા. તેણે આસમાની, જાંબુડા, કિરમજી ઊનના અને લાલ રંગના શણના પડદા બનાવ્યા અને તેણે કરુબો બનાવ્યા.

પિત્તળના બે સ્તંભો

1 રાજા. 7:15-22

સુલેમાને સભાસ્થાન આગળ પાંત્રીસ હાથ ઊંચા બે સ્તંભ બનાવ્યા, દરેકની ટોચે કળશ મૂકાવ્યા હતા. તે પાંચ હાથ ઊંચા હતા. તેણે સાંકળો બનાવીને સ્તંભોની ટોચે કળશો પર મૂકી; તેણે સો દાડમો બનાવ્યાં અને તેને સાંકળો પર લટકાવ્યાં. તેણે તે સ્તંભો સભાસ્થાન આગળ ઊભા કર્યા, એક જમણે હાથે અને બીજો ડાબા હાથે; જમણા હાથ બાજુના સ્તંભનું નામ યાખીન સ્થાપના અને ડાબા હાથ બાજુના સ્તંભનું નામ બોઆઝ બળ રાખ્યું.

Indian Revised Version (IRV) Gujarati-2019. Copyright © Bridge Connectivity Solutions Pvt. Ltd. Licensed under CC BY-SA 4.0. Source: Open.Bible. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-11-09.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.