Indian Revised Version (IRV) Gujarati-2019
1 શમુ. 3
શમુએલને ઈશ્વરનું દર્શન
બાળ શમુએલ એલીની પાસે રહીને ઈશ્વરની સેવા કરતો હતો. તે દિવસોમાં ઈશ્વરની વાણી દુર્લભ હતી; ત્યાં વારંવાર પ્રબોધકીય સંદર્શન થતાં નહોતા. તે સમયે, જયારે એલીની, આંખોની દ્રષ્ટિ ઝાંખી થવાથી તે સારી રીતે જોઈ શકતો નહોતો, ત્યારે તે પોતાની પથારીમાં સૂતો હતો, ઈશ્વરનો દીવો હજી હોલવાયો ન હતો. ત્યારે શમુએલ ઈશ્વરના ઘરમાં જે ઠેકાણે ઈશ્વરનો કોશ હતો ત્યાં ઊંઘતો હતો. ઈશ્વરે શમુએલને હાંક મારી, તેણે જવાબ આપ્યો, “હું આ રહ્યો.”
શમુએલે એલીની પાસે દોડી જઈને કહ્યું, “હું આ રહ્યો, કેમ કે તેં મને બોલાવ્યો.” એલીએ કહ્યું, “મેં તને બોલાવ્યો નથી; પાછો જઈને ઊંઘી જા.” જેથી શમુએલ જઈને ઊંઘી ગયો. ઈશ્વરે ફરીથી હાંક મારી, “શમુએલ.” ફરીથી શમુએલ ઊઠીને એલી પાસે ગયો અને કહ્યું, “હું આ રહ્યો, કેમ કે તેં મને બોલાવ્યો.” એલીએ જવાબ આપ્યો, “મેં તને નથી બોલાવ્યો, મારા દીકરા; પાછો જઈને ઊંઘી જા.”
હવે શમુએલને હજી સુધી ઈશ્વરનો કોઈપણ પ્રકારનો પરિચય થયો નહોતો, ક્યારેય ઈશ્વરનો કોઈ સંદેશ તેને પ્રગટ થયો ન હતો. ફરીથી ઈશ્વરે શમુએલને ત્રીજી વાર હાંક મારી. શમુએલ ઊઠીને એલી પાસે ગયો અને કહ્યું, “હું આ રહ્યો, કેમ કે તેં મને બોલાવ્યો.” પછી એલીને સમજાયું કે ઈશ્વર છોકરાંને બોલાવી રહ્યા છે.
માટે એલીએ શમુએલને કહ્યું, “જઈને પાછો સૂઈ જા; જો તે તને ફરીથી બોલાવે, તો તારે કહેવું, ‘બોલો, ઈશ્વર, કેમ કે તમારો સેવક સાંભળે છે.’ જેથી શમુએલ ફરીથી પોતાની પથારીમાં જઈને ઊંઘી ગયો.
ઈશ્વર આવીને ઊભા રહ્યા; પહેલાંની જેમ જ તેમણે અવાજ કર્યો, “શમુએલ, શમુએલ.” ત્યારે શમુએલે કહ્યું, “બોલો, કેમ કે તમારો સેવક સાંભળે છે.” ઈશ્વરે શમુએલને કહ્યું, “જો, હું ઇઝરાયલમાં એક એવું કાર્ય કરનાર છું કે તે વિષે જે સાંભળશે તેના બન્ને કાન કાંપશે.
મેં એલીની વિરુદ્ધ તેના ઘર સંબંધી જે સઘળું કહ્યું છે તે બધું આરંભથી તે અંત સુધી, હું તે દિવસે પૂરું કરીશ. મેં તેને કહ્યું હતું કે જે દુષ્ટતાની તેને ખબર છે તેને લીધે હું તેના ઘરનો ન્યાય સદાને માટે કરીશ, કારણ કે તેના દીકરાઓ પોતા પર શાપ લાવ્યા અને તેણે તેઓને અટકાવ્યા નહિ. આ કારણ માટે એલીના ઘર વિષે મેં એવા સમ ખાધા છે કે એલીના ઘરની દુષ્ટતાનું પ્રાયશ્ચિત બલિદાનથી અથવા અર્પણથી કદાપિ થશે નહિ.”
શમુએલ સવાર સુધી ઊંઘી રહ્યો; પછી તેણે ઈશ્વરના ઘરનાં બારણાં ઉઘાડ્યાં. પણ શમુએલ એ સંદર્શન એલીને કહેતાં ગભરાયો. ત્યારે એલીએ શમુએલને હાંક મારી અને કહ્યું, “શમુએલ, મારા દીકરા.” શમુએલે કહ્યું, “હું આ રહ્યો.”
તેણે કહ્યું, “તેમણે તારી સાથે શી વાત કરી? કૃપા કરી તે મારાથી છુપાવી રાખીશ નહિ. તેમણે જે બધી વાતો તને કહી તેમાંથી કોઈપણ જો તું મારાથી છુપાવે તો ઈશ્વર એવું અને એ કરતાં પણ વધારે તને કરો.” ત્યારે શમુએલે તેને સર્વ વાત કહી; તેનાથી તેણે કશું છુપાવ્યું નહિ. એલીએ કહ્યું, “તે ઈશ્વર છે. તેમની નજરમાં જે સારું લાગે તે તેઓ કરે.”
શમુએલ મોટો થયો, ઈશ્વર તેની સાથે હતા અને ઈશ્વરે શમુએલના પ્રબોધકીય શબ્દોને નિષ્ફળ થવા દીધા નહિ. દાનથી તે બેરશેબા સુધીના સર્વ ઇઝરાયલીઓએ જાણ્યું કે શમુએલ ઈશ્વરના પ્રબોધક તરીકે નિમાયો છે. ઈશ્વરે ફરીથી શીલોમાં તેને દર્શન આપ્યું, કેમ કે ઈશ્વર પોતાના વચન દ્વારા શીલોમાં શમુએલને પોતાનું દર્શન આપતા રહેતા હતા.
Indian Revised Version (IRV) Gujarati-2019. Copyright © Bridge Connectivity Solutions Pvt. Ltd. Licensed under CC BY-SA 4.0. Source: Open.Bible. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-11-09.